Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

હળવદઃ બાઇક હડફેટે લઈને બે લોકોના મોત નિપજાવી નાશી છુટેલો વાહનચાલક ઝડપાયો

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨: થોડા દિવસ પહેલા અજાણ્‍યા વાહન ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા બાળક સહિત બેના મોત નિપજયા હતા. આ બનાવમાં પોલીસે અજાણ્‍યા વાહન ચાલકની ઓળખ મેળવીને તેની ધરપકડ કરી છે.

ગત તા.૯ મે ના રોજ હળવદ માળીયા હાઈવે રોડ ઉપર સુસવાવ ગામના પાટીયાથી ધનાળા વચ્‍ચે નાળા પાસે અકસ્‍માતનો બનાવ બનેલ જેમા કોઈ અજાણ્‍યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક પાછળ બેસેલ જયાબેન ઉ.વ.૨૩ તથા હાર્દિક ઉ.વ.૭ વાળાઓને ગંભીર ઈજાઓ થતા બંને ના મૃત્‍યુ પામ્‍યા હતા. તેમજ બાઇક ચાલક અને ફરીયાદી અનીલભાઈ ચંદુભાઈ સુરેલા રહે.જુના વેગડવાવ તા.હળવદ વાળાને હાથે પગે ફેક્‍ચર જેવી ગંભીર ઈજા થતા તેઓની ફરીયાદ લઈ હળવદ પો.સ્‍ટે એ ગુનો દાખલ કર્યો હતો.

આ બનાવ સંદર્ભે પોલીસ ટીમે ખાનગી બાતમીદારોથી તેમજ અણીયારી ટોલ ટેક્ષ થી સોલડી ટોલ ટેક્ષ સુધીના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી પુરાવાઓ મેળવી સદરહુ ગુનો ડીટેક્‍ટ કરેલ છે અને આ કામે અકસ્‍માત કરનાર વાહન ચાલક આરોપી સાકિબભાઈ માજીદભાઈ ચૌધરી જાતે-શેખ ઉ.વ.૨૪ᅠ ધંધો-ડ્રાઈવીંગ હાલ રહે.૧૫, શાંતીનગર નારોલ કોર્ટ પાછળ અમદાવાદ શહેર મુળ ગામ-સહસપુર, શેખાન તલાઈ તા.ધામપુર જી.બિજનોર રાજય-ઉતરપ્રદેશની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:51 am IST)