Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ધોરાજીમાં સગર્ભાને સિઝેરીયન માટે એનેસ્થેસીયા અપાયા બાદ મોતઃ બાળક પણ ન બચી શકયું

પરિવારજનોમાં અરેરાટીઃ તબિબની બેદરકારીનો આક્ષેપઃ રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૨: ધોરાજીમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતી સગર્ભાને પુરા મહિને ડિલેવરી માટે ધોરાજીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ સિઝેરીયન માટે એનેસ્થેસિયા અપાયા બાદ તબિયત બગડતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કમનસિબે ગર્ભસ્થ બાળક પણ બચી શકયું નહોતું. તબિબની બેદરકારીનો આક્ષેપ સ્વજનોએ કરતાં ધોરાજી પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.જાણવા મળ્યા મુજબ ધોરાજી રહેતાં અલ્પેશભાઇ રામનાથસિંહ યાદવના પત્નિ સમિતા (ઉ.વ.૨૩)ને સારા દિવસો જતાં હોઇ અને હાલમાં નવમો મહિનો ચાલતો હોઇ ૩૧મીએ રાતે દસેક વાગ્યે ધોરાજીની ડો. તૃપ્તી આંટાળાની હોસ્પિટલમાં તેણીને પ્રસુતિ માટે દાખલ કરવામાં આવી હતી.  બીજા દિવસે સાંજે સિઝેરીયનથી ડિલીવરી કરવાનું નક્કી થયા બાદ તેણીને એનેસ્થેસિયા અપાયા પછી તબિયત બગડતાં શ્વાસ થંભી ગયા હતાં.

બનાવ અંગે ધોરાજી પોલીસને જાણ થતાં એ.ડી. નોંધી હતી. મૃતકના સ્વજનોએ ડોકટરની બેદરકારીને કારણે માતા અને ગર્ભસ્થ બાળકના મોત નિપજ્યા હોવાનો આક્ષેપ કરતાં પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો છે. મૃતકના પતિ અલ્પેશભાઇ યાદવ પ્રાઇવેટ નોકરી કરે છે. આ પરિવાર મુળ બિહારનો છે. પરંતુ વર્ષોથી ધોરાજીમાં સ્થાયી થયો છે. બનાવને કારણે પરિવારજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે.

(11:52 am IST)