Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પોરબંદરના કુછડી ભાવપરા પાસે અન્ડરબ્રીજનો હજુ સર્વિસ રોડ બનાવ્યો નથી

વાહન ચાલકોને જીવા જોખમે રોંગ સાઇડ જવુ પડે છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર :.. કુછડી પાલખડા ભાવપરા પાસે અન્ડરબ્રીજ કે સર્વિસ રોડ બનાવ્યા નહી હોવાથી વાહન ચાલકોને ફરજીયાત રોંગ સાઇડમાં જીવના જોખમે જવુ પડે છે. આ પ્રશ્ને કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત સતાવાળાઓને કરી છે.

દ્વારકા સોમનાથ નેશનલ હાઇવેના કામમાં અનેક જગ્યાએ ક્ષતીઓ રહી ગઇ છે. તેનો ભોગ લોકોને બનવું પડે છે અને અકસ્માતનો ભય વારંવાર સર્જાય છે. ત્યારે પોરબંદરના કુછડી પાલખડા અને ભાવપરા નજીક પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. અને અન્ડર પાસ નહી બનાવાયો હોવાથી વાહન ચાલકોને ફરજીયાત બે કિ. મી. સુધી રોંગ સાઇડમાં તેમના વાહનો લઇને પસાર થવું પડે છે. અને લોકોના માથે મોતનો ભય ઉભો થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસે રોક્ષ ઠાલવીને ઉગ્ર રજૂઆત કરી છે.

કોંગ્રેસના સીનીયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના મંત્રી રામદેવભાઇ મોઢવાડીયાએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કરોડો રૂપિયાના ખર્ચે દ્વારકા - સોમનાથનો નેશનલ હાઇવે બનાવવામાં આવ્યો છે. પરંતુ અમુક ગામ પાસે અન્ડર બ્રીજ કે ઓવરબ્રીજની વ્યવસ્થા કરી નહી હોવાથી અને નિયમોનો ભંગ કરીને સર્વિસ રોડ પણ બનાવ્યા નહિ હોવાથી જીલ્લાના લાખો લોકો સહિત પ્રવાસીઓના માથે મોતનો ભય ઉભો થયો છે. ખાસ કરીને કુછડી, ભાવપરા, અને પાલખડા નજીક નિયમ મુજબ સર્વિસ રોડ બન્યા નથી તો અન્ડર પાસ કે ઓવરબ્રીજ પણ બનાવ્યા નથી જેથી આ ગામમાં વસતા લોકોને અનેક કિલો મીટર સુધી ફરજીયાત તેમના વાહનો લઇને રોંગ સાઇડમાંથી નીકળવું પડે છે. ત્યારે ત્યાં અકસ્માત થાય છે. અત્યાર સુધીમાં આ હાઇવે ઉપર ૧૭ મી વધુ અકસ્માતમાં અનેક માનવ જીંદગી  હોમાઇ ચુકી છે. તેમ છતાં તંત્ર જાગતુ નથી નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનીને યમસદન અને હોસ્પિટલના ખાટલે પહોંચી જાય છે. તો અનેક લોકો કાયમી ધોરણે વિકલાંગ બની જાય છે.

આ વિસ્તારના અનેક ગામના લોકોના જીવનું જોખમ ઉભુ થયુ હોવાની તંત્રને ખબર હોવા છતાં પણ કોઇ વ્યવસ્થા ગોઠવવા માટે તે જાગતુ નથી તેમ જણાવીને રામદેવભાઇ મોઢવાડીયાએ ઉમેર્યુ છે કે તગડો ટોલટેક્ષ વસુલતી ઓથોરીટી શા માટે સમજતું નથી.

દ્વારકાથી સોમનાથ જતા આ રસ્તા ઉપર સતત યાત્રાળુ વાહનોની અવર-જવર થાય છે. અને અત્યાર સુધીમાં અહીં અનેક યાત્રાળુ વાહનો સાથે પણ અકસ્માત થઇ ચૂકયા છે. તેથી માત્ર ગ્રામજનો ઉપર જ નહી પણ યાત્રાળુઓ ઉપર પણ મોત ભમી રહયું છે. તેમ છતાં પણ રેઢીયાળ તંત્ર કે ઓથોરીટી સમયસર નકકર કામગીરી કરતુ નથી તેની આકરી ઝાટકણી કાઢીને રામદેવભાઇએ ઉમેર્યુ હતું કે, જો હવે તંત્ર આ મુદે ગંભીર નહી બને તો નાછૂટકે અમારે આંદોલન કરવું પડશે તેવી ચીમકી આપી છે.

(12:56 pm IST)