Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ભ્રષ્ટાચાર સામે જાગૃતિ સાથે પારદર્શક વહીવટ માટે દરેક કચેરીમાં પ્રીવેન્ટીવ વિજિલન્સ ઈન્સ્પેકશન સીસ્ટમ વિકસાવવી જરૂરી: તકેદારી આયુકત સંગીતા સિંઘ

કચ્છમાં લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  કલેકટર કચેરી ભુજ ખાતે રાજ્ય તકેદારી આયોગના આયુકતશ્રી સંગીતા સિંઘની અધ્યક્ષતામાં કચ્છ જીલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક રાજ્ય તકેદારી આયુકત સંગીતા સિંઘના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગઈ. બેઠકને સંબોધતા શ્રી સિંઘે જણાવ્યુ હતુ કે, સતર્કતા સપ્તાહની ઉજવણી સરદાર વલ્લભભાઇ પટેલની  જન્મજંયતિ નિમીતે થાય છે. વડાપ્રધાનશ્રી ના શબ્દોમાં નિવારક તકેદારી એટલે કે પ્રિવેન્ટિવ વિજિલન્સના પગલે કામગીરી થાય તો વહિવટમાં  સ્વચ્છતા, પારદર્શિતા અને ન્યાયોચિત કામગીરી થાય. ભ્રષ્ટાચારના કિસ્સા ઓછા બને. હવે તો ગ્રામ્ય સ્તરે પણ રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમ જેવા કાર્યક્રમ થકી દરેક વિભાગમાં પારદર્શિતા આવી છે જેના પગલે સુધારાને પણ અવકાશ મળ્યો છે. તમામ કચેરીઓમાં પારદર્શક કામગીરી થાય અને સમસ્યાઓના નિવારણ માટે મહતમ પગલાં લેવાય તે તકેદારી સમિતિનો ઉદેશ્ય છે.

    આ તકે શ્રીમતી સંગીતા સિંઘે પ્રિવેન્સન ઓફ કરપ્શન એક્ટ વિશે વિગતે માહિતી પુરી પાડતા જણાવ્યુ હતુ કે, આઝાદીના સમય થી જ લાંચ રૂશ્વત વિરોધી કાયદાની શરુઆત થઇ હતી. વિજિલન્સ એ પાયાનુ પગલું છે જેમાં જીલ્લાકક્ષાએ તમામ વિભાગો તેનો ભાગ છે દરેક કચેરીમાં તેનું કાર્યક્ષેત્ર વિસ્તુત છે. તકેદારી કાર્યક્ષેત્ર જીલ્લા માટે અગત્યની ભુમિકા ભજવે છે.
    આ બેઠકમાં શ્રીમતી સિંઘે તકેદારી આયોગની કામગીરી વિસ્તૂત  રીતે વર્ણવી તેમણે દરેક કચેરીનું પ્રિવેન્ટિવ વિજીલન્સ ઇન્સ્પેશન થાય તેવી સીસ્ટમ વિકસાવવા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે ને અનુરોધ કર્યો હતો.
    આ તકે જીલ્લાની વિવિધ કચેરીઓ જેવીકે એ.સી.બી, પોલિસ, જીલ્લા પંચાયત, ઉધોગકેન્દ્ર, શિક્ષણ વિભાગની કચેરી, સમાજ સુરક્ષા જેવી વિવિધ કચેરીઓની તકેદારીની કામગીરીથી આયુકતશ્રી સિંઘ માહિતિગાર થયા હતા તેમજ તકેદારી અંગેની ફરિયાદોનો ઝડપી નિકાલ લાવવા સુચના આપી હતી.
    શ્રીમતિ સિંઘે વિવિધ સમાચાર માધ્યમોમાં પ્રસિદ્વ થતાં લાંચરૂશ્વત કે તકેદારીના પ્રશ્નો હોયતો તે સમિતિ સમક્ષ મુકવા અને તે પરત્વે ધ્યાન રાખવા જણાવાયું હતું.
    આ બેઠકમાં સર્વશ્રી પોલિસ અધિક્ષક પશ્ર્ચિમ કચ્છશ્રી સૌરભ સિંઘ, નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, નાયબપોલિસ અધિક્ષક પુર્વ કચ્છ અંજારશ્રી મુકેશ ચૌધરી, એ.સી.બીના મદદનીશ નિયામકશ્રી કે.એચ.ગોહિલ, સીવીલ સર્જનશ્રી ડો. કશ્યપ બુચ, નિયામકશ્રી જીલ્લા વિકાસ એજન્સીના શ્રી આસ્થાબેન સોલંકી, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેરશ્રી આર.બી.પંચાલ, જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો.બી.એન.પ્રજાપતિ, પાણીપુરવઠા કાર્યપાલક ઇજનેરશ્રી એ.પી.તિવારી, જીલ્લા ઉધોગ કેન્દ્રનાં જનરલ મેનેજરશ્રી કનક ડેર, સમાજસુરક્ષા અધિકારીશ્રી એ.પી રોહાડિયા, નાયબ માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસિયા તેમજ સબંધિત વિભાગના અધિકારી સર્વશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

(9:57 am IST)