Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

૧૧મીએ પૂ.મોરારીબાપુના હસ્‍તે તલગાજરડામાં ૬ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અપાશે

રાજકોટ,તા. ૩: રાજયના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તારીખ ૧૧ /૫ /૨૦૨૨ ને બુધવારે ૯ વાગે પૂ. મોરારી બાપુ દ્વારા એનાયત થશે .સને ૨૦૦૦ની સાલથી પ્રારંભાયેલા થયેલા આ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રતિ વર્ષ અર્પણ થાય છે. તલગાજરડા (તા.મહુવા)ની કેન્‍દ્રવતી શાળા- ચિત્રકુટ ધામ ખાતે કુલ મળીને ૬૬ પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોની પૂ. મોરારી બાપુ દ્વારા વંદના કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લામાંથી એક પ્રાથમિક શિક્ષકને આ એવોર્ડ એનાયત થશે. જેમાં સને ૨૦૨૦ના ૩૩ એવોર્ડ તેમજ ૨૦૨૧ ના વર્ષના ૩૩ એમ કુલ મળીને ૬૬ શિક્ષકોને આ એવોર્ડ એનાયત થશે. આ ૨૧ અને ૨૨ માં ચિત્રકૂટ એવોર્ડ ની દ્યોષણા આજે થઇ હતી.

ગત કોરોના કાળના સમયગાળામાં ચિત્રકૂટ એવોર્ડ કાર્યક્રમ સ્‍થગિત રહયો હતો. જે બે વર્ષના એવોર્ડ સાથે એનાયત થશે.

રાજયભરના બે લાખ ઉપરાંત પ્રાથમિક શિક્ષકો માંથી પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે. આ પારિતોષિકથી પુરસ્‍કૃત શિક્ષકોને પૂજય મોરારી બાપુ દ્વારા પ્રત્‍યેકને ૨૫૦૦૦ રૂપિયા, સૂત્રમાલા, રામનામી, કાળી કામળી તેમજ સન્‍માનપત્ર થી સન્‍માનિત કરવામાં આવશે. પૂ. સીતારામબાપુ અધેવાડા પણ પુરસ્‍કૃતને સુંદરકાંડના પુસ્‍તક થી સન્‍માનિત કરશે.

મહુવા તાલુકાના શિક્ષક સંદ્યના અધિવેશન સાથે અહીં આ દિવસે મહુવા તાલુકામાંથી સેવા નિવૃત્ત થનાર પ્રાથમિક શિક્ષક બહેનો/ ભાઈઓને પણ સન્‍માન સાથે વિદાય નીવૃત્તિ આપવામાં આવશે.

સ્‍થાનિક કક્ષાએ કાર્યક્રમની સફળતા માટે અગ્રણીઓ સર્વશ્રી ગજુભા વાળા, ગણપતભાઇ પરમાર, ભરતભાઈ પંડયા, મનુભાઈ શિયાળ વગેરે સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે.

પ્રાથમિક શિક્ષણ પાયાનું શિક્ષણ છે અને તેને સાર્વત્રિક એવમ ઘનિષ્ઠ બનાવવાના પ્રયાસોમાં પોતાના ફાળે આવેલ કર્તવ્‍યપાલનતામાં નિસ્‍વાર્થ સિંહ ફાળો અને યોગદાન આપનાર પ્રાથમિક શિક્ષકો સાચા શિલ્‍પીઓ છે, ત્‍યારે પૂજય મોરારી બાપુ દ્વારા પ્રતિવર્ષ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને એનાયત થતો ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ રાજયના પ્રાથમિક શિક્ષણમાં ગૌરવવંતો અને મૂલ્‍યવાન લેખાય છે.

આ સમગ્ર ઉપક્રમ નું ટી.વી. ચેનલના માધ્‍યમ થી દુનિયાના ૧૭૨ દેશોમાં તેમજ મોરારિબાપુ યુ ટ્‍યુબ ચેનલ પર થી જીવંત પ્રસારણ થનાર છે.

(4:43 pm IST)