Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મહિલા બેન્ક કર્મચારીએ એટીએમમાંથી 15 લાખ વાપરી નાખ્યા:મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ

મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસન્ડ બેન્કના એટીએમ કસ્ટોડીયન એવા મહિલા કર્મચારીએ કાંડ કરી નાખ્યો

મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસન્ડ બેન્કના એટીએમ કસ્ટોડીયન એવા મહિલા કર્મચારીએ કાંડ કરી નાખી એટીએમ મશીનમાં રહેલી બેલેન્સમાંથી રૂપિયા 15 લાખ બારોબાર કાઢી વાપરી નાખતા આ મામલે બેંકના ઉપરી અધિકારી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસન્ડ બેંકના રાજકોટના ક્લસ્ટર બ્રાન્ચ મેનેજર હાર્દિકભાઈ હરીશભાઈ નાગર રહે. શરૂ સેક્સન રોડ જામનગર વાળા ઓડિટર સહિત ત્રણ અધિકારીઓની ટીમ સાથે લાલપર ખાતે બેંકમાં વિઝિટમાં ગયા હતા જ્યા બેન્ક મેનેજર અમરીશ પટેલ દ્વારા એટીએમના વ્યવહારો ચેક કરવામાં આવતા નાણાકીય ભૂલ સામે આવી હતી.

બાદમાં ક્લસ્ટર મેનેજર હાર્દિકભાઈ હરીશભાઈ નાગર સહિતની ટીમ દ્વારા ડિટેઇલ પૂર્વક એટીએમના હિસાબ ચકાસણી કરવામાં આવતા એટીએમ બેલેન્સ 33, 88,200 હોવી જોઈએ પરંતુ એટીએમમાંથી ફક્ત 18,88,200 જોવા મળતા એટીએમ કસ્ટોડીયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર તેમજ જીજ્ઞેશભાઈ ચંદુભાઈ માનસેતાની પૂછપરછ કરતા એટીએમ કસ્ટોડીયન નેહાબેન ગજ્જરે પ્રથમ ગલ્લાતલા કર્યા બાદ એટીએમ મશીનમાંથી 15 લાખ અંગત વપરાશ માટે કાઢી લીધાની કબૂલાત આપી હતી.

બીજી તરફ આ મામલે ઇન્ડુસન્ડ બેંકના કસ્ટર મેનેજર હાર્દિકભાઈ હરીશભાઈ નાગર દ્વારા નાણાકીય ઉચાપત અને ગેરરીતિ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ મામલે તાલુકા પોલીસે નેહાબેન ધનસુખભાઈ ગજ્જર રહે.સુમતીનાથ સોસાયટી, વાવડીરોડ મોરબી વાળા વિરુદ્ધ આઈપીસી કલમ 409 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

   
 
   
(7:34 pm IST)