Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

લમ્પી વાયરસના કેસ વધતા તંત્ર દોડધામ :પશુઓમાં રસીકરણની કામગીરી વધારાઈ

જામનગર, ધ્રોલ, કાલાવડ સહીતના તાલુકામાં કેસ નોંધાયા

જામનગર : છેલ્લા એક માસથી જામનગર તથા આસપાસના વિસ્તારોમાં લમ્પી વાયરસના કેસ પશુઓમાં વધ્યા છે. પશુઓમાં ખુબ ઝડપથી ફેલાતો લમ્પી વાયરસના કારણે અનેક પશુઓને વાયરસની અસર થઈ છે. અનેક પશુઓના મોત થયા છે. જામનગર, ધ્રોલ, કાલાવડ સહીતના તાલુકામાં કેસ નોંધાયા છે. ગાયોમાં ફેલાઈ રહેલ લમ્પી રોગ પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા હાથ ધરાઈ રસીકરણ સહીતની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં લમ્પી વાયરસ પશુઓમાં ફેલાય રહ્યો છે.

રાજકોટ, જામનગર, દેવભુમિ દ્વારકા, કચ્છ, પોરબંદર તથા આસપાના વિસ્તારમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. લમ્પી વાયરસના કેસ વધતા તંત્ર દોડધામ શરૂ કરી છે. પશુઓમાં રસીકરણની કામગીરી વધારવામાં આવી છે. જામનગરમાં 3 મેથી લમ્પી વાયરસના કેસ નોંધાય રહ્યા છે. જે અત્યાર સુધીમાં કુલ 347 પશુઓમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. જે પૈકી 239 જામનગર શહેર વિસ્તારમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. જેને સારવાર આપવામાં આવી છે.

હાલ લમ્પી વાયરસના કારણે જામનગરમાં 20 પશુઓના મોત નોંધાયેલ છે. જેને અટકાવવા માટે જીલ્લામાં કુલ 6533 પશુઓને વેકસીન આપવામાં આવી છે. જે કામગીરી વાયરસ ફેલાતો અટકાશે નહી ત્યાં સુધી આ વેકસીનેશનની કામગીરી અવિતર ચાલુ રહેશે. જામનગર શહેર, વિભાપર, નાગના, ધ્રોલ અને કાલાવડ પંથકમાં લમ્પી વાયરસ ફેલાયો છે.

લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર નિયંત્રણ લાવવા તમામ અસરગ્રસ્ત પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવી છે. પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક 1962 હેલ્પલાઈન, જિલ્લા પશુ દવાખાનું અથવા નીમવામાં આવેલ નોડલ ઓફિસરનો સંપર્ક કરવા પણ પશુપાલકોને અનુરોધ કરાયો છે.

(1:56 pm IST)