Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

આજથી બે દિવસ મંત્રી પૂર્ણેશ મોદી કચ્છમાં: ૪૯૯ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન

રૂ. ૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ભુજોડી રેલવે ઓવરબ્રિજનું વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં લોકાર્પણ : GSTRC ભુજ સ્ટાફ કોલોનીનું ઇ-લોકાર્પણ અને ARTO અંજારનું લોકાર્પણ કરાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨

 કચ્છમાં બે દિવસીય કાર્યક્રમો અંતર્ગત અંદાજે રૂ.૪૯૯ કરોડના વિવિધ વિકાસ કામોનું માર્ગમકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ - ભૂમિપૂજન કરાશે . તા. ૨ જુનના ભુજ -ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ ૪૨ ઉપર ભુજોડી ખાતે રૂ. ૭૫ કરોડના ખર્ચે નિર્મિત રેલવે ઓવરબ્રિજના કામનું  લોકાપર્ણ તથા ભુજ મતવિસ્તારના કુલ રૂ. ૫૭.૩૦ કરોડના ખર્ચે ચાર રસ્તાઓના રીસર્ફેસીંગ અને વિસ્તૃતિકરણના કામોનું ભૂમિપૂજન વિધાનસભા ગુજરાત અધ્યક્ષ અને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ડો. નિમાબેન આચાર્યની ગરિમામય ઉપસ્થિતિમાં તથા માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના વરદહસ્તે આહિર કન્યા વિદ્યાલય ખાતે ભુજોડી ખાતે સવારે ૯ કલાકે યોજાશે.

ભુજોડી ખાતે ૧.૫ કિ.મી લંબાઇના ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજ રાજ્યમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત પેરામેશ વોલથી બનેલો સૌથી લાંબો અને ઊંચો રેલવે ઓવરબ્રિજ છે. આ બ્રિજના લોકાપર્ણથી જિલ્લાના ૭ લાખથી વધુ લોકોને લાભ થશે. આ સાથે જ આ સમારોહમાં ભુજ મતવિસ્તારના કુલ રૂ. ૫૭.૩૦ કરોડના ખર્ચે ચાર રસ્તાઓના રીસર્ફેસીંગ અને વિસ્તૃતિકરણના કામોનું ભૂમિપૂજન કરાશે તથા ભુજ ખાતે નવનિર્મીત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સ્ટાફ કોલોનીનું ઇ-લોકાર્પણ  પણ કરાશે.  તો બીજીતરફ બપોરે ૩.૦૦ કલાકે અંજાર ખાતે નવનિર્મિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરીનું લોકાપર્ણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં તથા માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના વરદહસ્તે થશે. ઉપરાંત  અંજાર મત વિસ્તારના વિવિધ રસ્તાઓના રૂ. ૪૮.૯૦ કરોડની અંદાજીત રકમના રિસર્ફેસીંગના કામગીરીનું ભૂમિપૂજન અંજાર ખાતેની નવી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે બપોરે ૩:૦૦ કલાકે તથા ગાંધીધામ- રાપર મત વિસ્તારના વિવિધ રસ્તાઓનું રૂ.૫૬.૨૫ કરોડની અંદાજીત રકમથી ભૂમિપૂજન ભચાઉ તાલુકાના વિજપાસર ખાતે સાંજે ૫.૩૦ કલાકે મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે કરાશે.

જ્યારે તા. ૩ જૂનના અબડાસા મત વિસ્તારના વિવિધ રસ્તાઓ અને એક પુલના રૂ. ૧૪૧.૧૧ કરોડની અંદાજિત રકમથી વિસ્તૃતિકરણ, રિસર્ફેસીંગ તથા નવિનીકરણની કામગીરીનું ભૂમિપૂજન - લોકાર્પણ સમારોહ સવારે ૧૧ કલાકે દયાપર, સરદાર હોટલ પાસે ભુજ-લખપત રોડ ખાતે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીની હાજરીમાં યોજાશે. જ્યારે સાંજે માંડવી- મુંદરા મત વિસ્તારના રસ્તાઓ અને પાંચ પુલોના રૂ. ૧૧૮.૨૪ કરોડની અંદાજીત રકમથી વિસ્તૃતિકરણ, રિસર્ફેસીંગ તથા નવિનીકરણની કામગીરી તથા રૂ.૨.૫૭ કરોડના મુંદરા તાલુકાના નવનિર્મિત વિશ્રામગૃહના કામોનું ભૂમિપુજન, ખાતમુહૂર્ત તથા લોકાર્પણ મંત્રી શ્રી ના હસ્તે મુંદરા ખાતે પાંજરાપોળ, કુકડસર વાડી ખાતે સાંજે ૪.૦૦ કલાકે યોજાશે.

(9:46 am IST)