Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

બોટાદ પંથકમાં સવારે ઝાપટુઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમી વધી

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે પવનના સૂસવાટા સાથે વાદળા યથાવતઃ મહત્તમ તાપમાનનો પારો ઉંચો

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીમાં વધારો યથાવત છે આવા વાતાવરણ વચ્‍ચે આજે બોટાદ પંથકમાં સવારે વરસાદી ઝાપટુ વરસ્‍યુ હતું બોટાદના કેટલાક વિસ્‍તારો ઉપરાંત ગઢડા (સ્‍વામીના) ના ઇતરિયા, લીંબાળી સહિતના ગામોમાં પવન સાથે વરસાદી ઝાપટુ ગાજવીજ સાથે વરસ્‍યુ હતુ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
સૌરાષ્‍ટ્રમાં ગરમીમાં થોડી રાહત અનુભવાઇ રહી છે પરંતુ રાજકોટ, અમરેલી અને સુરેન્‍દ્રનગરમાં ૪૧ ડીગ્રી ઉપર તાપમાન નોંધાયુ છે. ત્રણેય શહેરોમાં અસહ્ય ગરમીના કારણે જનજીવન પર અસર પડી છે. બપોરના સમયે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
બપોરે લૂ વરસતી હોવાના કારણે માર્ગો પર અવરજવર ઓછી જોવા મળે છે. જામનગરમાં ર૦ થી ૪૦ કિલો મીટરની ઝડપે પવન ફુંકાતા ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી હતી.
રાજકોટ ૪ર.૭, અમરેલી ૪૧.૪, સુરેન્‍દ્રનગર ૪ર.૯, ભાવનગર ૩૭.૧, દ્વારકા ૩ર.૧, ઓખા ૩૩.૬ વેરાવળ ૩૩.૬, દીવ ૩ર.૩, મહુવા ૩૪.૬, કેશોદ ૩૬, જામનગરમાં ૩પ ડીગ્રી તાપમાન રહેવા પામ્‍યું હતું.
જામનગર શહેર-જિલ્લામાં દિવસે ર૦ થી ૪૦ કીલો મીટરની ઝડપે ફુંકાતા પવન ઉપરાંત ગરમીમાં ઘટાડાના કારણે લોકોને રાહત મળી છે. બુધવારે સવારે પુરા થતાં ર૪ કલાકમાં લઘુતમ તાપમાન ર૬.૮ અને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૭૯ ટકા નોંધાયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩પ મહત્તમ, ર૭ લઘુતમ ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

 

(11:30 am IST)