Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ગરીબ માણસને વિકાસનો લાભ મળે તે માટે અમે પ્રયત્નશીલ પૂર્ણેશભાઈ મોદી

ઓવરબ્રિજ અને નવા રસ્તાઓ સહિતના કાર્યો ટુરિઝમ હબ કચ્છ માટે કરોડરજ્જુ સમાન- ડો. નીમાબેન આચાર્ય : કચ્છમાં અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩

 ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૭૫ કરોડના ખર્ચે ભુજ-ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ ૪૨ ઉપર પેરામેશ વોલ અધતન ટેક્નોલોજીથી બનેલ ૧.૫ કિ.મી. લાંબા ૧૭ મીટર ઉંચાઈ ધરાવતા ચારમાર્ગીય ભૂજોડી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગ મકાન અને વાહન વ્યવહાર વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આહિર કન્યા વિદ્યાલય પાસે ભૂજોડી ખાતે યોજાયેલા સમારોહમાં ભુજ મતવિસ્તારના રૂ.૫૭.૩૦ કરોડના ખર્ચે કુલ ૫૪.૯૦ કિ.મી. લંબાઇના ૪ રસ્તાઓનું વિસ્તૃતિકરણ અને રીસર્ફેસીંગ કામોનું ભૂમિપૂજન કરાયું હતું. જે પૈકી રૂ.૩૧.૫૦ કરોડના ખર્ચે લખપતના દેશલપર હાજીપીર રોડનું વિસ્તૃતિકરણ, રૂ.૧૦.૮૦ કરોડના ખર્ચે ભુજના કેરા-દહિંસરા-ગઢશીશા રોડના વિસ્તૃતિકરણ, રૂ.૧૦ કરોડના ખર્ચે ભુજના માનકુવા કોડકી-માનકુવા-મખણા-વટાછડ-નિરોણા ૨૪.૫૦ કિ.મી. રોડના રીસર્ફેસીંગ કામોના ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂ.૬.૫૯ કરોડના ખર્ચે સુવિધાયુક્ત નવનિર્મિત સ્ટાફ કોલોનીનું ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

વિવિધ વિકાસ પ્રકલ્પોનું પ્રજા અર્પણ કરવાના આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ અને ભુજ ધારાસભ્યશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ટુરિઝમ હબ કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં ભૂજોડી રેલવે ઓવરબ્રિજ કરોડરજ્જુ સમાન છે. ભૂકંપગ્રસ્ત ઝોન-૫માં આવેલા કચ્છમાં ૧.૫ કિ.મી. લાંબો, પથ્થરની ગેબિયન વોલ-પેરામેશ વોલનો અધતન ટેક્નોલોજીયુક્ત ફોરલેન ભૂજોડી રેલવે ઓવરબ્રિજથી સાત લાખ લોકોને લાભ મળશે. આ બ્રિજથી પ્રવાસીઓ અને પ્રજાજનો તેમજ ઉધોગકારોના સમય, ઈંધણનો બચાવ થશે.

કચ્છના તમામ આગેવાનો, જન પ્રતિનિધિઓની મંત્રીશ્રી પૂર્ણેશ મોદીને રજુઆતના પગલે આજે આ ઓવરબ્રિજ લોકાર્પિત થયો છે. વૈશ્વિકકક્ષાના અને વિકાસના પ્રોજેકટોની વિકાસ પુરૂષશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદષ્ટિથી વિશ્વ નોંધનીય કચ્છમાં વિકાસની અવિરત યાત્રા ચાલતી જ રહેશે. પ્રજાની લાગણી અને માંગણીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ પૂર્ણ કરવા સક્રિય છે. વિકાસ પ્રજાનો હક્ક છે તેને પૂર્ણ કરવા સરકાર સક્રિય છે.

માર્ગ અને મકાન, વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશની પ્રજાને સંપૂર્ણ પ્રાથમિક સુવિધાઓ આપવા કટિબધ્ધ બન્યા છે. દરેક નાગરિકને વિકાસનો લાભ મળે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર કામ કરી રહી છે.

રૂ.૫૧૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામો બે દિવસમાં કચ્છને અપાશે. દેશ દુનિયામાં માસ ટ્રાન્સપોર્ટેશન હોય કે વ્યકિગત આધુનિક ટેકનોલોજીથી ઝડપી અને ઓછા ખર્ચે સામાજિક, આર્થિક રોજગારી અને ધાર્મિક તેમજ પ્રવાસન માટે કનેકટીવીટી મહત્વપૂર્ણ છે. જાહેર કનેકટીવીટી, દરિયાઇ રો-રો કનેકટીવીટી, એસ.ટી. કનેકટીવીટી અને રોડ રસ્તાઓની ચાર કનેકટીવીટી મહત્વપૂર્ણ છે.

વાહન વ્યવહારમાં ૮ હજાર જેટલી એસ.ટી. દૈનિક ૨૫ લાખ જેટલી સામાન્ય પ્રજાને છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં અવરજવર કરવાની કામગીરી કરાવે છે.

રાજય સરકાર ૧૬૦૦ કિ.મી. ના દરિયા કિનારામાં આવતા બંદરો અને પર્યટન સ્થળોને વિકાસ અને લાભ દરિયાઇ માર્ગને જોડવાના પ્રયત્નોથી આપશે.

આ તકે મંત્રીશ્રીએ રાજયના ચોતરફી માર્ગીય વિકાસ વિસ્તારની વિગતો રજુ કરી જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજયના દરેક જિલ્લામાં રૂ.૧૨,૨૦૦ કરોડના ખર્ચે નવા માર્ગો બનશે. સરકારે વિવિધ સર્વે બાદ રૂ.૫૦૦ કરોડના ખર્ચે ૨૯૫ ગામોમાં કોઝવે કામગીરી, અમૃત મહોત્સવ હેઠળ ૪૧૪ નવા રોડ તેમજ જયાં નદીનાળા અને તળાવો છે ત્યાં વિધાર્થીઓને માર્ગ વ્યવસ્થા માટે રૂ.૩૦૦ કરોડના ખર્ચે કામગીરી કરાશે. રાજયના અંતરિયાળ અને છેવાડાના ગામો જયાં ૧૦૮ જવા માટે માર્ગ વ્યવસ્થા અત્યંત જરૂરી છે ત્યાં રૂ.૩૦૦ કરોડના ખર્ચે કામગીરી કરશે.

આ તકે તેમણે કચ્છમાં થયેલા વિકાસ કામોની વિગતે માહિતી આપી હતી.

પૂર્વ રાજયમંત્રી અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, બે દિવસ દરમ્યાન કચ્છ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાને મળશે. ખાર્તમુહૂર્ત કરાયેલ બ્રિજનું લોકાર્પણ આજે મંત્રીશ્રીએ કરી નાગરિકોની સુવિધાઓમાં મહત્વનું મોરપીંછ ઉમેરાયું છે.

ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમના મેનેજીંગ ડિરેકટરશ્રી એ.કે.પટેલે સ્વાગત પ્રવચનમાં રાજયના માર્ગો વાહન વ્યવહાર મુસાફરી માટે સલામત અને સુદ્ઢ બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ તકે તેમણે આજે થયેલા લોકાર્પિત-ભૂમિપૂજન વિકાસ કામોની વિગતો પણ રજુ કરી હતી.

માર્ગ અને મકાન વર્તુળ મહેસાણાના અધિક્ષક ઈજનેરશ્રી એ.જે.ચૌહાણે આભારવિધિ કરી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી પંકજ ઝાલાએ કર્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, એપીએમસી ચેરમેનશ્રી કેશુભાઇ પટેલ, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામ ઠકકર, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ, જીએસઆરડીસી એમ.ડી.શ્રી એ.કે.પટેલ, મા.મ.વર્તુળ અધિક્ષક ઈજનેરશ્રી એ.જે.ચૌહાણ, જીએસઆરડીસી અધિક્ષક ઈજનેરશ્રી ડી.કે.સોલંકી, જીએસઆરડીસી કાર્યપાલક ઈજનેરશ્રી એમ.એચ.મહેતા, મા.મ.પે.વિભાગ શ્રી સી.બી.ડુડીયા, એસ.ટી.નિયામકશ્રી વાય.કે.પટેલ, મા.મ.વિભાગ (પંચાયત) શ્રી એમ.જે.ઠાકોર, જીએસઆરડીસી નાકાઇશ્રી ઈમ્તિયાઝ ખાન, જિલ્લા અને તાલુકાના અગ્રણી પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:32 am IST)