Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

કાલાવડ લેઉવા પટેલ સમાજ ભવનનું ભૂમિપૂજન અને પંદરમો સમુહ ભોજન સમારંભ સંપન્‍ન : દાતાઓએ વહાવી દાનની સરવાણી : માત્ર બે કલાકમાં સવા ચાર કરોડ રૂપિયાનો ફાળો એકત્રિત

અનેક સમાજ શ્રેષ્‍ઠીઓ અને હજારો જ્ઞાતિજનોની ઉપસ્‍થિતિમાં : સમાજ ભવનમાં ખેતી વિષયક માહિતી કેન્‍દ્ર અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે અદ્યતન લાયબ્રેરી ઊભી કરાશેᅠ

(કમલેશ આશરા દ્વારા) કાલાવડ તા. ૩ : શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજ ટ્રસ્‍ટ, કાલાવડ (શિતલા) નિર્મિત લેઉવા પટેલ સમાજ ભવનનું ભૂમિપૂજન ગત શનિવાર, તારીખ ૨૮ મેના રોજ ભૂમિદાતા વિનોદભાઈ સવજીભાઈ વસોયા અને ધીરૂભાઈ સવજીભાઈ વસોયાના હસ્‍તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે સમસ્‍ત કાલાવડ લેઉવા પટેલ સમાજનો પંદરમો સમુહ ભોજન સમારોહ પણ યોજાયો હતો, જેમાં એક પંગતે હજારો જ્ઞાતિજનોએ ભોજન લીધું હતું.

લેઉવા પટેલ સમાજના આ ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્‍થિત સંતો શ્રીકૃષ્‍ણ પ્રણામી ધર્મચારીય જગતગુરૂ આચાર્યશ્રી ૧૦૮ કૃષ્‍ણમણીજી મહારાજ અને જામનગર મોટી હવેલીના વલ્લભાચારીજી મહારાજે સમાજની એકતાની પ્રશંસા કરીને સમગ્ર કાર્ય નિર્વિઘ્‍ને પૂર્ણ થવાના આશીર્વચન આપ્‍યા હતા.

આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્‍થિત જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ તેમજ પૂર્વ સાંસદ ચંદ્રેશ ભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરીને આ ભગીરથ કાર્યમાં પૂર્ણ સહયોગ આપવા માટે તત્‍પરતા બતાવી હતી.

કાલાવડમાં લેઉવા પટેલ જ્ઞાતિની સંખ્‍યા ખૂબ મોટી હોવા છતાં સામાજિક પ્રસંગો ઉકેલવા માટે કોઈ વાડી કે હોલની યોગ્‍ય વ્‍યવસ્‍થા ન હોવાને પરિણામે જ્ઞાતિજનો વર્ષોથી આ પ્રશ્ને મુશ્‍કેલી અનુભવતા હતા. આ મુશ્‍કેલીના નિવારણ અર્થે હાલ રાજકોટ વસતા પ્રમુખશ્રી ભરતભાઈ ઠેસિયા (પટેલ જવેલર્સ-કાલાવડ)એ કાલાવડને કંઇક આપવાની નેમ સાથે પટેલ સમાજ નિર્માણનું બીડુ ઝડપ્‍યું હતું. આ સમાજના નિર્માણ સાથે જ્ઞાતિજનોની મુશ્‍કેલીઓનો અંત આવશે.

આ સમારોહમાં રાજકોટના ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઇ પટેલ,કાલાવાડના ધારાસભ્‍યશ્રી પ્રવીણભાઈ મુછળીયા, ખોડલધામના ઉપપ્રમુખ શ્રી તુષારભાઈ લુણાગરિયા, મંત્રી શ્રી જીતુભાઈ વસોયા, ખજાનચી શ્રી ચિરાગભાઈ શિયાણી તેમજ જે.કે.ઠેસીયા (ચેરમેન શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્‍ટ-જૂનાગઢ)તેમજ જામનગર પટેલ સમાજના પ્રમુખ શ્રી મનસુખભાઈ રાબડીયા, સમાજના અગ્રણી શ્રી ગંગદાસભાઈ કાછડીયા તેમજ કાલાવડના અગ્રણીઓ સર્વશ્રી નાનજીભાઈ ચોવટીયા, જે.ટી. પટેલ, વલ્લભભાઈ સાંગાણી, જમનભાઈ તારપરા, પરસોતમભાઇ નાથાભાઈ ફળદુ, એ.ડી.ફળદુ, વિનુભાઈ રાખોલીયા, ગિરધરભાઈ પટોડીયા, જે.પી.મારવિયા, પરસોતમભાઇ એસ. સાવલિયા,ભોલાભાઇ એલ.ફળદુ, ભૂમિત ડોબરીયા તેમજ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નવનિર્મિત લેઉવા પટેલ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ નાથાભાઈ ઠેસીયા તેમજ ટ્રસ્‍ટીઓ સર્વશ્રી અરજણભાઈ સોજીત્રા વિનોદભાઈ વસોયા, ધીરુભાઈ વસોયા, મનસુખભાઈ સાવલિયા, હિતેશભાઈ અકબરી, હિતેશભાઈ સાંગાણી અને છગનભાઈ ફળદુ તેમજ આ પ્રસંગે સમૂહ ભોજન સમિતિ,શ્રી સરદાર પટેલ યુવા સંગઠન તેમજ ખોડલધામ સમિતિની અથાગ જહેમતથી નિર્માણ પામી રહેલા આ સમાજ ભવનમાં સામાજિક પ્રસંગો માટેની આધુનિક સુવિધાઓ ઉપરાંત ખેતી વિષયક માહિતી કેન્‍દ્ર, વિદ્યાર્થીઓ માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે તૈયારી થાય તે પ્રકારની આધુનિક લાયબ્રેરી સહિતની શૈક્ષણિક સુવિધાઓ તેમજ સમાજના વિકાસ કાર્યોની માહિતી ઉપલબ્‍ધ બની શકે તે તમામ વ્‍યવસ્‍થાઓ ઊભી કરાશે.

ભાડુકીયા નાકા, બાલાંભડી રોડ, કાલાવડ ખાતે નિર્માણાધીન સમાજ ભવનના ભૂમિપૂજનના આ અવસરે ભૂમિ પૂજન સ્‍થળે બપોરે ૪.૩૦ વાગ્‍યે શ્રી મનસુખભાઈ વસોયાના લોક સાહિત્‍યનો કાર્યક્રમ તેમજ રાત્રે ૮ વાગ્‍યે સમૂહ રાસનું આયોજન થયું હતું, જેમાં જ્ઞાતિજનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

ᅠઆ ભૂમિપૂજન પ્રસંગે દાતાઓએ દાનની સરવાણી વહેતી કરી હતી અને માત્ર બે કલાકમાં સવા ચાર કરોડ રૂપિયાનો ફાળો આ સુકાર્ય માટે એકત્રિત થયો હતો.દાન આપનાર દાતાઓનું આ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(9:57 am IST)