Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ગોંડલના વિપ્ર યુવાનને કમળો ભરખી ગયો : નાની નાની બે દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩ : ‘ન જાણ્‍યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું' આ કહેવત ગોંડલના રોયલ પાર્ક માં યથાર્થ થવા પામી છે બે માસૂમ ફૂલ જેવી દીકરીઓ અને વિધવા માતા તેમજ પત્‍ની સાથેનો વિપ્ર યુવાન નો પરિવાર હજુ તો પંદર દિવસ પહેલા જ કિલ્લોલ કરતો હતો ત્‍યાં જ ઘરના આધાર સ્‍તંભ સમાન યુવાનને કમળો થઇ ગયા બાદ તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરક થઇ જવા પામ્‍યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કોટડાસાંગાણી રોડ પર આવેલ એસઆરપી ગેઈટની સામેના રોયલ પાર્ક ૧ માં રહેતા અને પ્રાઈવેટ ઓફિસોમાં કામ કરી ઘર ગુજરાન ચલાવતા હિરેનભાઈ દિનેશભાઈ પુરોહિત (ઉંમર વર્ષ ૩૯) ને ૧૫ દિવસ પહેલા કમળાની તકલીફ થતાં ગોંડલ બાદ રાજકોટ અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા પરંતુ તેમની સારવાર કારગત ન નિવડતા તેમણે આજે અંતિમ શ્વાસ લેતા બે ફૂલ જેવી માસૂમ દીકરીઓ હિતાર્થી (ઉંમર વર્ષ ૮) અને ઈશા (ઉમર વર્ષ ૭) એ પિતાની છત્રછાયા ગુમાવી હતી આશાસ્‍પદ વિપ્ર યુવાનનાં આકસ્‍મિક નિધન થી રોયલ પાર્ક ૧ માં પણ સન્નાટો વ્‍યાપી જવા પામ્‍યો હતો, યુવાનની અંતિમ યાત્રામાં માસુમ નાની-નાની બાળકીઓ એ પિતાને કાંધ આપી માટલી ઉપાડતા કઠણ કાળજાનો માનવી પણ રડી પડ્‍યો હતો, એકઠા થયેલા લોકો કહેવા લાગ્‍યા હતા કે પંદર દિવસ પહેલા જ હસતા ખેલતા પરિવાર નો માળો આજે અચાનક જ વિખેરાઈ જવા પામ્‍યો છે. કુદરતી કયારે કઠોર બને છે તે કાળા માથાનો માનવી જાણી શકતો નથી. (તસવીર-જીતેન્‍દ્ર આચાર્ય)

(9:58 am IST)