Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

હવે આ બાકી હતું...હળવદમાં ધોળે દહાડે ભરચક વિસ્‍તારમા ચિલઝડપ

સરા ચોકડી નજીક મહિલાના હાથમાંથી પર્સ અને મોબાઈલ છીનવી જતી સમડી

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૩: શહેર અને તાલુકામાં પોલીસનું અસ્‍તિત્‍વ જ ન હોય તેવી સ્‍થિતિ વચ્‍ચે છેલ્લા અઠવાડિયામાં ઘરફોડી, લૂંટ, ધાડ, ચોટલો કપાવો જેવી ઘટનાઓ ઉપરા છાપરી બની છે ત્‍યારે ગઈકાલે સાંજે બજારમાં ખરીદી કરવા આવેલ મહિલાના હાથમાંથી ચિલઝડપકાર સમડીએ પર્સ અને મોબાઇલની ચિલ ઝડપ કરતા ચકચાર મચી જવા પામી છે. અને મહિલા વર્ગ મા ભય નો માહોલ છવાઇ ગયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે  સાંજના પાંચેક વાગ્‍યાના સમયે સરા રોડ ઉપર સુપર માર્કેટમાં ખરીદી કરવા આવેલ રૂચિકાબેન આદ્રોજા શાક બકલા ની ખરીદી પતાવી થેલી પાછળ ની સીટ મા મૂકી ને  પોતાની કારમાં બેસવા જતા હતા ત્‍યારે હેલ્‍મેટ પહેરી બાઈક ઉપર આવેલ સમડીએ મહિલાના હાથમાંથી ખેચી ને પર્સ તેમજ મોબાઈલ મળી અંદાજે અઢારેક હજારની કિંમતની મતાની તફડંચી કરી હવામાં ઓગળી ગયો હતો.

વધુમાં આ મહિલાના ગળામાં પહેરેલ સોનાનો ચેન આચકવા પણ સમડીએ પ્રયાસ કર્યો હતો પરંતુ ગળામાં મહિલાએ કંઠી પહેરેલ હોય ચેન બચી જવા પામ્‍યો હતો. અને ઋચિકા બેન ને પાટું મારી ને આ શખ્‍સ ફરાર થઈ ગયો હતો .આ પ્રકારની ઘટના હળવદમાં બનતા સાંજ થી જ આ બાબત ટોક ઓફ ધી ટાઉન બનવા પામી હતી. અને આવા બનાવો અને ચોરીનો થાય એ માટે સોસાયટી, શેરીઓ અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો જાતે જ રાત્રિએ જાગી ને સજાગતા બતાવવાનું શરૂ કર્યું છે.

(10:54 am IST)