Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ગવરીદળમાં સગાઇના ખર્ચના મનદુઃખમાં ભોલાની હત્‍યાના પ્રયાસમાં ૪ પકડાયા

કુવાડવા પોલીસે અશ્વિન, શારદા, કાનો અને મધુને પકડી લોખંડનો પાઇપ કબ્‍જે કર્યો

રાજકોટ તા. ૩: ગવરીદળમાં સગાઇના ખર્ચના પૈસા બાબતે થયેલી બોલાચાલી બાદ દેવીપૂજક યુવાન પર બે મહિલા સહિત ચાર જણાએ હુમલો કરી લોખંડના પાઇપથી માર મારી હત્‍યાનો પ્રયાસ કરતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્‍યો હતો. આ બનાવમાં ચાર આરોપીઓને પકડી લેવાયા છે.
પોલીસે ગવરીદળ આઇઓસી સામે ઝૂપડામાં રહેતી રેખાબેન ભોલા વાઘેલા (ઉ.૨૦)ની ફરિયાદ પરથી ટંકારાના સાવડી ગામના અશ્વિન ધરમશી ઉર્ફ ધમા ચાણમીયા, શારદા અશ્વિન ચાણમીયા, કાના ધીરૂ વાઘેલા અને મધુબેન ધીરૂ જણાણીયાની સામે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો હતો. આ ચારેયની ધરપકડ ગણતરીના કલાકોમાં કરી લઇ પાઇપ કબ્‍જે લીધો છે. રેખાના પતિ ભોલાની સગાઇ નાનાપણમાં આરોપી અશ્વિનની બહેન જાગુ સાથે નક્કી થઇ હતી. પરંતુ બાદમાં સગાઇ ફોક થઇ ગઇ હતી અને જાગુને અન્‍યત્ર પરણાવી દેવાઇ હતી. આ બાબતે ભોલા અને અશ્વિન વચ્‍ચે મનદુઃખ ચાલતું હોઇ ભોલાએ જે તે વખતે સગાઇનો કેટલો ખર્ચ થયો હતો એ બાબતે પુછતાં ઝઘડો થયા બાદ અશ્વિન સહિતના લોખંડના પાઇપથી તૂટી પડયા હતાં. જેમાં ભોલાને ગંભીર ઇજા થઇ હતી.
પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટ, પીએસઆઇ એન. આર. વાણીયા, હેડકોન્‍સ. હિતેષભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, અજીતભાઇ લોખીલ, હિતેષભાઇ માલકીયા, કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ અને અનિતાબેન વાઘેલાએ આ કામગીરી કરી હતી.

 

(11:49 am IST)