Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે એશીયાટીક કોલેજ ગોંડલ ખાતે તમાકુ મુક્‍ત ભારત માટે રાજયકક્ષાનો સેમિનાર યોજાયો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ભારતને તમાકુ મુક્‍ત બનાવવા સ્‍વપનોને સાકર કરવા દેશભરમાં લોકજાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવા અપીલ કરેલ છે. જેના અનુસંધાનમાં તા.૩૧ ના રોજ સવારના ૯ કલાકે એશીયાટીક એન્‍જિનિયરિંગ કોલેજ જામવાડી નેશનલ હાઇ-વે ગોંડલ મુકામે જીવન બચાવવા માટે તમાકુ નિયંત્રણ કાયદાઓને મજબૂત વિષયે રાજયકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ સેમિનારમાં કુ.એકતાબેન પુરોહિત મેનેજર પ્રોજેક્‍ટ્‍સ,કન્‍જયુમર વોઇસ, ન્‍યુ દિલ્‍હી, ભાવનાબેન રૈયાણી પ્રમુખ,ગોંડલ નગરપાલિકા, ગોપાલભાઈ ભુવા ચેરમેન એશીયાટીક કોલેજ, જીતુભાઈ આચાર્ય પ્રમુખ,બ્રહ્મસમાજ, પ્રફુલભાઈ ટોળિયા ડિરેક્‍ટર એ.પી.એમ.સી માર્કેટિંગ યાર્ડ ગોંડલ, ખુશ્‍બુબેન ભુવા પૂર્વ પ્રમુખ નગરપાલિકા ગોંડલ,રામજીભાઈ માવાણી પૂર્વ સાંસદ વગેરે મહાનુભાવો એ ખાસ ઉપસ્‍થિત રહી તમાકુ નીષેધ માટે વિશેષ માર્ગદર્શન આપેલ.

તત્‍કાલિન સમયમાં યુવાવસ્‍થા થી જ તમાકુનુ વ્‍યસન કરનાર યુવાનો સરવાળે કેન્‍સર જેવા રોગની ગર્તામાં ધકેલાય જાય છે. અને તેના પરીવારનો માળો વિખાય જાય છે. વધુમાં આવા વ્‍યસ્‍ન ખર્ચાળ હોઈ જેવી આર્થિક સ્‍થીતી પણ તમાકુના વ્‍યસનને કારણે ડામાડોળ થઈ જતી હોય છે. કુટુંબ-પરિવાર અને સરવાળે સમાજની પ્રગતિ રૂંધાતી હોય છે. તમાકુના વ્‍યસનથી દેશના યુવાધન અને સમાજના તમામ વર્ગને બચાવી શકાય તેવો આ કાર્યક્રમનો ઉદેશ હતો.

આ કાર્યક્રમમાં સૌરાસ્‍ટ્ર ભરની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્‍થાઓ જોડાયેલ. આ કાર્યક્રમમાં ભારતને તમાકુ મુક્‍ત બનાવવા માટે તમાકુ નિષેધના પ્રવર્તમાન કાયદાનો મજબૂતીકરણ કરી ‘કેપ્‍ટા' કાયદો અમલમાં લાવવા માટે ઉપસ્‍થીત આગેવાનો ગોપાલભાઈ ભુવા, પ્રફુલભાઇ ટોળિયા, તથા એશીયાટીક કોલેજના પ્રોફેસરો સહિત ૫૦૦ જેટલા યુવાનોએ કેન્‍દ્રીય આરોગ્‍ય અને પારિવાર કલ્‍યાણ મંત્રી મનસુખભાઈ માંડવીયાને દિલ્‍હીથી પધારેલ તેના પ્રતિનિધિ મારફત મામલતદાર ગોંડલની રૂબરૂમાં આવેદનપત્ર સુપ્રત કરેલ.

યુવાનોએ આ કાયદાને મજબૂત બનાવવા માટે અને તમાકુ મુક્‍ત ભારત અભ્‍યાનને મજબૂત બનાવવા માટે ‘ગુજરાત કે ઘર ઘર જાયેંગે - તમાકુ મુક્‍ત ભારત બનાયેંગે'  ના નારા સાથે રેલી પણ કાઢેલી તે દરમ્‍યાન એશીયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવાએ યુવાનો અને ઉપસ્‍થીત નાગરિકોને તમાકુ ઉત્‍પાદ વસ્‍તુઓને સેવન અને વ્‍યસન ક્‍યારેય નહીં કરવા પ્રતીજ્ઞા લેવડાવેલ. આ સેમિનારની વ્‍યવસ્‍થા રમાબેન માવાણી માજી સાંસદ સભ્‍ય, દીપાલીબેન વિરડીયા ડિરેક્‍ટર એશીયાટીક એન્‍જિનિયરિંગ કોલેજ, તથા વાય.ડી.ગોહિલ નાયબ મામલતદારે સંભાળેલ હતી.(તસવીર-જીતેન્‍દ્ર આચાર્ય)

(11:49 am IST)