Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જામનગરના ગ્રામીણ સહાય જૂથો દ્વારા ઉત્‍પાદિત વસ્‍તુઓને પ્રોત્‍સાહિત કરવા સખી મેળાનું આયોજન

શહેરના પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતે તા. ૩ થી ૯ જૂન સુધી યોજાનાર જિલ્લા કક્ષાના મેળાને કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા ખુલ્લો મુકાશે : હેન્‍ડીક્રાફટ,દોરીવર્ક, હર્બલ પ્રોડકટ, ઘર સુશોભન, ફાસ્‍ટ ફૂડ, બેકરી પ્રોડકટ, અથાણા, પાપડ, ખાખરા જેવી હાથ બનાવટની ચીજવસ્‍તુઓ આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર  તા. ૩ : ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિકાસ' ઉજવણીના ભાગરૂપે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે ગ્રામલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ ૭ દિવસીય તમામ જિલ્લાઓમાં સખી મેળાઓનું આયોજન કરાયું છે. ત્‍યારે જામનગર જિલ્લામાં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતે જિલ્લા કક્ષાનો મેળો તા.૩ થી ૯ જૂન ૨૦૨૨સુધી કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલના હસ્‍તે તા. ૩ જુન ૨૦૨૨ના રોજ સાંજે ૫ કલાકે ખુલ્લો મુકવામાં આવશે.

જેમાં સરકારના દિન દયાલ અંત્‍યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રચાયેલા ગામડાના સ્‍વસહાય જૂથના સભ્‍યો એવા મહિલા અને કારીગરો દ્વારા હેન્‍ડીક્રાફટ, દોરીવર્ક, જવેલરી, હર્બલ પ્રોડક્‍ટ, ઘર સુશોભનની ચીજવસ્‍તુઓ, ફાસ્‍ટ ફૂડ, બેકરી પ્રોડક્‍ટ, અથાણા, પાપડ, ખાખરા જેવી હાથ બનાવતી સ્‍વસહાય જૂથો દ્વારા ઉત્‍પાદિત ચીજવસ્‍તુઓના વેચાણ આકર્ષણ કેન્‍દ્ર બની રહેશે.

(1:05 pm IST)