Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

'૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ' અન્વયે મોરબીમાં ભવ્ય ઉજવણી કરાશે

 (પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા. ૩ : જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને 'વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ' અન્વયે ૩૦ મી જૂનના રોજ યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૃપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે કલેકટર એ કાર્યક્રમ માટે સ્થળ પસંદગી, ડોમ તેમજ કાર્યક્રમના આયોજન અંગે તમામ વ્યવસ્થાઓ જોવા સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા. ઉપરાંત મેળા તેમજ પ્રદર્શન માટે સંલગ્ન વિભાગોને સુચારુ આયોજન કરવા તથા યુવા અને સાંસ્કૃતિક વિભાગને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા અંગે વિવિધ સુચનો કર્યા હતા.

હાલ સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત '૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ' અન્વયે ૭ દિવસીય મેળા તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ૩૦મી જૂનથી યોજાનાર છે. જેમાં વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસના માર્ગે ભરેલી હરણફાળનું પ્રદર્શન તેમજ સખીમંડળ દ્વારા વેચાણસ્ટોલનું ૭ દિવસ માટે આયોજન કરવામાં આવનાર છે.

આ બેઠકમાં કલેકટર જે. બી.પટેલ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર તેમજ મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેર, ડીવાયએસપી  એમ.આઈ.પઠાણ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ તેમજ સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજકોમાસોલના બોર્ડ ઓફ

ડીરેકટર પદેબિનહરીફ

મોરબીના જાણીતા સહકારી નેતા મગનભાઇ વડાવિયા આજે ગુજરાતની રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી. અર્થાત ગુજકોમાસોલના બોર્ડ ઓફ ડીરેકટર પદે બિનહરીફ ચૂંટાયા છે.

નોંધનીય છે કે ગુજરાતની રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી.(ગુજકોમાસોલ)ના બોર્ડ ઓફ ડીરેકટરની તાજેતરમા જાહેર થયેલ ૨૦૨૨ની ચુંટણીમા આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોરબી  મતદાર મંડળની બેઠક પર સહકારી નેતા મગનભાઈ વડાવિયા સતત બીજી વખત બીજી ટર્મમાં બિનહરીફ ચુંટાયા છે.

હાલ મગનભાઇ વડાવિયા ગુજકોમાસોલમા બોર્ડ ઓફ ડીરેકટર તરીકે બિનહરીફ થતા સમગ્ર મોરબી જીલ્લા સહકારી પરીવાર દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.

 ખેલાડીઓએ મોરબી

જિલ્લાનું ગૌરવ વધાર્યુ

 ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક ્પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની વિવિધ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.  આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના સ્પર્ધકોએ વિવિધ વય ગૃપ, વજન ગૃપ તથા સાંઘિક રમતોમાં શ્રેષ્ઠ પ્રઢદર્શન કર્યું છે. મોરબીના સ્પર્ધકોએ ચેસ, ટેકવેન્ડો, ખો-ખો, કબડ્ડી જેવી રમતોમાં ગુજરાત રાજ્યમાં ્પ્રથમ ત્રણ સ્થાનમાં રહી મેડલ પ્રાપ્ત કરેલ છે.

મોરબીના સ્પર્ધો પૈકી દીપ પરમારે ચેસમાં દ્વિતિય સ્થાન, ટેકવેન્ડોમાં અંડર ૧૪(બહેનો)ના ગ્રુપમાં નાલંદા સ્કુલના આરાધ્યા પંડ્યાએ તૃતિય સ્થાન, અંડર ૧૭(બહેનો)ના ગ્રુપમાં ડીજેપી સ્કુલના સલોની પારઘીએ દ્વિતિય સ્થાન તેમજ નવજીવન સ્કુલના લીના ભરાડિયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

અંડર ૧૭ (ભાઇઓ)ના ગૃપમાં નવજીવન સ્કુલના શુભમ જતાપરાએ દ્વિતિય સ્થાન, તેમજ તક્ષશીલા-હળવદના સાગર કડેચાએ રાજ્યકક્ષાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યુ છે. ખોખો સ્પર્ધામાં નવજીવન વિદ્યાલય અંડર ૧૭(બહેનો)એ તૃતીય તેમજ કબડ્ડીમાં નવજીવન વિદ્યાલય અંડર ૧૭ (બહેનો)એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમામ વિજેતા સ્પર્ધકોને જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

(1:41 pm IST)