Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ફકત નિવેદનો અને યોજનાઓ જાહેર કરવા કરતા ગ્રાઉન્‍ડ પર થતા કામની પણ સમીક્ષા કરવા ધારાસભ્‍ય વિક્રમ માડમની સરકારને ટકોર

દુઃખી તથા ગરીબ દર્દીઓની મજાક ઉડાવતી રાજયની ભાજપ સરકાર

જામનગર તા.૩ : હાલના સમયમાં સરકાર દ્વારા ગરીબ લોકો તથા મધ્‍યમ વર્ગના લોકોને ગંભીર બીમારી જેવી કે કેન્‍સર, હૃદયરોગ, હાડકામાં ઇજા, પેશાબમાં તકલીફ, ટીબી, કેન્‍સરના શેક ડોઝ વગેરે જીવલેણ બીમારીમાં સરકારી હોસ્‍પિટલ તથા ખાનગી હોસ્‍પિટલમાં વિનામૂલ્‍યે સારવાર લેવાની હોય તો તેમના માટે પ્રધાનમંત્રી આયુષ્‍યમાન કાર્ડ ફરજીયાત કરેલ છે. આ કાર્ડ કઢાવવા માટે માણસો જરૂરી તમામ કાગળો એકઠા કરી અને કાર્ડ બનાવવામાં રૂચી દાખવે છે.

હાલની આ બેરોજગારી તથા કોરોના સમય વિત્‍યા પછી લોકોમાં બિમારીઓ વધી છે અને દરેકે દરેક ઘર અને કુટુંબમાં બિમારીના ખાટલા છે. હાલની સ્‍થિતિએ જ પરિવારોને આયુષ્‍યમાન કાર્ડ બનાવવાનું  થાય છે તે પરિવાર તમામ કાગળો મેળવી અને જયારે આયુષ્‍યમાન કાર્ડ કાઢતી ઓફિસ પર જાય છે. ત્‍યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટેકનીકલ ખામી હોવાનું જણાવી તમામ લાભાર્થીઓને પાછા મોકલવામાં આવે છે. અગાઉ પણ આજ ખામીના કારણે દોઢ મહિના સુધી આયુષ્‍યમાન કાર્ડ બનાવવાની કામગીરી બંધ થયેલ હતી. કહેવાતી આ સંવેદનશીલ સરકાર શું ફકત મહોત્‍સવ અને ફોટા પડાવવામાં જ રસ ધરાવે છે ? ગરીબ લોકો સારવારના અભાવે હેરાન થાય તેનાથી  સરકારને કોઇ મતલબ જ નથી ?

જે લોકો બીમારીમાં ખાટલે પડયા છે અને તેમને સારવાર માટે પ્રધાનમંત્રી આયુષ્‍યમાન કાર્ડની જરૂરીયાત છે તેવા દર્દીઓ પણ ઓનલાઇન સીસ્‍ટમમાંથી એરર દુર  થવાની રાહ જોઇ રહયા છે. આવી ટેકનીકલ ખામીના કારણે ઘણી વાર એવું પણ બન્‍યુ છે કે યોગ્‍ય સમયે યોગ્‍ય સારવાર ન મળવાને લીધે દર્દીઓને ઘણી ખોટ ખાપણ રહી જાય છે. ઘણા કિસ્‍સામાં સારવારના અભાવે દર્દી મૃત્‍યુ પણ પામે છે. અવાર નવારની આવી ટેકનીકલ ખામી ને કારણે આમ નાગરીકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે તાત્‍કાલીક ઘટતી કાર્યવાહી કરી આ ઓનલાઇન સીસ્‍ટમ વ્‍યવસ્‍થીત ચાલુ કરી લોકોની પીડા દુર કરવા ધારાસભ્‍યશ્રી વિક્રમભાઇ માડમ દ્વારા આરોગ્‍ય મંત્રીશ્રીને પ્રજાહિતમાં પત્ર લખેલ છે.

(2:00 pm IST)