Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વાંકાનેર પાસે બી.એસ.એન.એલ. ઢુવાના કર્મચારી સુરેન્‍દ્રસિંહનું અકસ્‍માતમાં મોત

ટેલીફોન લાઇનની રીપેરીંગ માટે જતા'તાને વઘાસીયા ટોલ નાકા પાસે ડમ્‍પરે ઠોકર મારીઃ મૃતક સુરેન્‍દ્રસિંહ યાદવ બે માસ બાદ નિવૃત થવાના હતા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩ :.. વાંકાનેર વઘાસીયા ટોલ નાકા પાસે ડમ્‍પર હડફેટે ઢુવા બીએસએનએલના કર્મચારીનું મોત થયું હતું.
મળતી વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે બીજુ નવા બની રહેલા ટોલનાકાની સાઇડમાં હાઇવે ઓથોરીટીએ આડશો ઉભી કરી છે ત્‍યાં કોઇ વાહનો ચાલી શકે તેવી જગ્‍યા નથી તેમ છતાં મોટી લેલન્‍ડ-ડમ્‍પર કે જેનો વજન પ૦ ટનથી વધુ હોય છે. તે જગ્‍યાએથી ઢુવા બીએસએનએલના ટેકનીકલ સુપરવાઇઝર પોતાનું વાહન લઇ, ટેલીફોન લાઇન રીપેરીંગ માટે જઇ રહ્યા હતા ત્‍યારે પાછળથી હેવી ડમ્‍પર ઠોકર મારી ટેલીફોન કર્મચારી સુરેન્‍દ્રસિંહ વિક્રમસિંહ યાદવ (ઉ.વ.અ. ૬૦) કે જેઓ બે મહિના બાદ નિવૃત થવાના હતા. તેને હડફેટે લેતા મોત થયું હતું.
વાંકાનેર સરકારી હોસ્‍પીટલે બીએસએનએલના કર્મચારીઓ આ મૃત્‍યુ પામેલા ટેકનીકલ સુપરવાઇઝરની અંતિમ વિધી કરવા માટે એકત્ર થયા હતાં. પરંતુ મૃતકના પરિવારજનો આસામ રાજયમાં હોઇ, તેઓને ટેલીફોનિક જાણ કરતા, મૃતકના પરિવારજનોએ જણાવેલ કે અમારે અંતિમ વિધીમાં હાજર રહેવું હોઇ તમે અમારી રાહ જોશો તેવી વિનંતી કરતા હાલ મૃતકની લાશ સરકારી પીએમ રૂમમાં રાખવામાં આવી છે. મૃતકના કુટુંબીજનોના આવ્‍યા બાદ, વાંકાનેરના મકનસર મોરબી ખાતેના તેઓના રહેણાક વિસ્‍તારે લઇ જઇ, મૃતકની અંતિમ વિધી થશે. આ બનાવની તપાસ વાંકાનેર શહેર પોલીસે હાથ ધરી છે. જયારે ડમ્‍પર ચાલક અકસ્‍માત કરી નાસી છૂટયો છે. આ ગંભીર બનાવ ટોલનાકાની બેદરકારીના કારણે બન્‍યો હોવાનું જાણવા મળે છે.

 

(4:43 pm IST)