Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ - 2023 તેમજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રીસીરીયલ્સ યોજના અંતર્ગત કૃષિ મેળો - કૃષિ પ્રદર્શન યોજાયું

સુરેન્‍દ્રનગર: આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ - 2023  તેમજ  રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રીસીરીયલ્સ યોજના અંતર્ગત આનંદ ભુવન, વઢવાણ ખાતે ઇન્ચાર્જ કલેક્ટર પી. એન મકવાણાના અધ્યક્ષસ્થાને તેમજ સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) - રાજકોટ એસ. કે. જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનાં કૃષિ મેળો- કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સંયુક્ત ખેતી નિયામક એસ. કે જોશીએ જણાવ્યું હતું કે,   આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ -2023 અંતર્ગત પ્રાકૃતિક કૃષિને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને લોકોને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો મળી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપતા તેમણે  ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે અપીલ કરી હતી.

મદદનીશ ખેતી નિયામક એચ.ડી.વણકર દ્વારા ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.રવિભાઈ પ્રજાપતિ દ્વારા ઓર્ગેનિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડો. જે. એમ. વ્યાસ દ્વારા હલકા ધાન્ય પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે સમજૂતી આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ દ્વારા હલકા ધાન્ય પાકોની ખેતીમાં પ્રાકૃતિક કૃષિના  મહત્વ  વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂત  મેણયાભાઈએ પ્રાકૃતિક ખેતી અંગેના તેમના અનુભવો વર્ણવ્યા હતા.

જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.આર. પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ -2023ની ઉજવણીને ધ્યાનમાં રાખીને મહાનુભાવોના સ્વાગત માટેના બુકે હલકા ધાન્ય પાકો માંથી બનાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભોજનમાં પણ હલકા ધાન્ય પાકોમાંથી બનાવેલ વાનગીઓ રાખવામાં આવી હતી.

કાર્યક્રમમાં કૃષિલક્ષી ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલ  રાખવામાં આવ્યા હતા. કૃષિલક્ષી જાગરૂકતા માટે ડ્રોનનું પ્રત્યક્ષ  નિદર્શન રાખવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના અધિકારીરી -કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો હાજર રહી કૃષિ પ્રદર્શન નિહાળ્યું હતું.

   
(12:21 am IST)