Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સવારે આછા વાદળા : ગરમી ઓછી

મહતમ તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી નીચે ઉતરતા રાહત : જો કે બપોરે અસહય ઉકળાટ

રાજકોટ,તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારે આછા વાદળા છવાય હતા અને ગરમી ઓછી થઇ છે.

મહતમ તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી નીચે ઉતરતા રાહતનો અનુભવ થઇ રહ્યો છે. જો કે બપોર અસહય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‍યા છે. ત્‍યારે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. રાજયમાં ગરમી મામલે હવામાન વિભાગે જણાવ્‍યું છે કે આગામી ૫ દિવસ લોકોને ᅠરાહત મળશે. એટલે કે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયના એકેય વિસ્‍તાર માટે હિટવેવની આગાહી કરવામાં આવી નથી. સામાન્‍ય રીતે હાલ ગરમીનો પારો ૪૪ ડિગ્રીના પાર પહોંચી ચૂક્‍યો છે. પરંતુ હવામાન વિભાગના મતે સમગ્ર રાજયમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે.

બીજી બાજુ દેશમાં આ વર્ષે ચોમાસું ૧૦ દિવસ પહેલાં જ દસ્‍તક આપી દેશે... જી હા, યૂરોપિયન સેન્‍ટર ફોર મીડિયમ રેન્‍જ વેધર ફોરકાસ્‍ટે આ આગાહી કરી છે. એજન્‍સી મુજબ કેરળના તટ સાથે ૨૦-૨૧ મેના રોજ ᅠચોમાસું ટકરાશે. જાણકારી મુજબ હાલ બંગાળની ખાડીમાં હવામાન સંબંધિત ફેરફારોના સંકેત મળી રહ્યા છે. અરબ સાગરમાં એન્‍ટીસાઈક્‍લોન ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે મોનસૂન કેરળ જલદી પહોંચી શકે છે. ᅠતેના પ્રભાવથી પશ્ચિમી વિસ્‍તારના બીજા ભાગમાં વરસાદ થઈ શકે છે. જાણકારી મુજબ આ વર્ષે ચોમાસું સમયે આવી જશે. સામાન્‍ય રીતે કેરળમાં ૧ જૂને મોનસૂન દસ્‍તક આપે છે અને પછી દેશના અન્‍ય વિસ્‍તારોમાં વરસાદની શરૂઆત થાય છે. ત્‍યારે આ વર્ષે ભારતમાં સારા વરસાદની આશા છે.

હવામાન વિભાગનું માનવું છે કે, ગરમીમાંથી આગામી પાંચ દિવસ રાહત મળશે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી હતી, જેણા કારણે લોકો રીતસરના ત્રાસી ઉઠ્‍યા હતા. પરંતુ રાજયના અમુક જગ્‍યાએ સવારથી વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીથી થોડી રાહત થઈ હતી.

રાજયભરમાં એક અઠવાડિયાથી જોવા મળી રહેલી હીટવેવની અસર ઠંડી પડી છે એટલે કે ગરમીનો પારો ગગડશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયામાં તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની આશંકા છે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.ᅠ

નોંધનીય છે કે, આગામી સમયમાં રાજયમાં તાપમાન ૪૪માંથી ૪૨ ડિગ્રીની આસપાસ નોંધાવાની શક્‍યતા છે અને ૨૪ કલાક બાદ ૨થી ૪ ડિગ્રી તાપમાન ઘટશે. દર વર્ષે માર્ચના અંતમાં તાપમાન ૪૦ ડિગ્રીની ઉપર પહોંચતું હોય છે પરંતુ આ વખતે મહિનાના મધ્‍યમાં જ તાપમાન ૪૪ ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. એપ્રિલ અને મે મહિનામાં તાપમાનનો પારો ૪૩થી ૪૪ ડિગ્રીની આસપાસ રહેતો હોય છે. જો કે, છેલ્લા એક અઠવાડિયાથી તાપમાન ૪૦થી ૪૨ ડિગ્રી સાથે ગરમ પવન ફૂંકાવવાના કારણે આકરા ઉનાળાનો અહેસાસ થયો હતો અને ઉનાળામાં માર્ચ મહિનામાં નોંધાયેલા આંકડાનો રેકોર્ડ તોડી દીધો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૬.૫ મહતમ, ૨૭ લઘુતમ, ૭૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૨.૧ પ્રતિકલાક પવનની ગતિ રહી હતી.

(12:06 pm IST)