Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મુન્‍દ્રા તાલુકા પંચાયતના વિસ્‍તરણ અધિકારી રાજેન્‍દ્રસિંહ જાડેજાને અદકેરૂં વિદાયમાન

ધારાસભ્‍યો, પંચાયત પ્રમુખથી માંડી રાજકીય આગેવાનો, અધિકારીઓ, પત્રકારો, કર્મચારીઓ, નાગરિકોએ કામગીરીને બિરદાવી : મૂળ સૌરાષ્‍ટ્રના ભીમકટા ગામ (જોડીયા)ના રાજેન્‍દ્રસિંહ જાડેજા રાજ્‍ય સ્‍તરે કર્મચારી મહામંડળમાં અગ્રેસર : ૨૫૦થી વધુ સન્‍માન પત્રો અને સ્‍મૃતિ ચિન્‍હોની ભેટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ :  ‘લાંબી નોકરીની સરકારી ફરજ દરમ્‍યાન લોકોના હૃદયમાં સ્‍થાન મેળવી અને લોકપ્રિયતા હાંસલ કરવી એ ખૂબ જ કપરું કામ છે. પણ, રાજેન્‍દ્રસિંહ જાડેજાએ આ લોકપ્રિયતા હાંસલ કરી છે.'

કચ્‍છના અબડાસા વિભાગના ધારાસભ્‍ય પ્રદ્યુમ્‍નસિંહ જાડેજાએ કરેલા આ સંબોધનમાં મુન્‍દ્રા માંડવી વિભાગના ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહ જાડેજા હોય કે કચ્‍છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજા હોય બધા જ રાજકીય આગેવાનોએ પોતાનો સુર પુરાવ્‍યો હતો. પ્રસંગ હતો, વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલ મુન્‍દ્રા તાલુકા વિસ્‍તરણ અધિકારી રાજેન્‍દ્રસિંહ વનરાજસિંહ જાડેજાનાᅠ વિદાય સન્‍માન સમારોહનો !! કાર્યક્રમનું આયોજન મુન્‍દ્રા તા.ના પ્રાગપર ગામે આવેલ ‘એન્‍કરવાલા અહિંસાધામ'માં કરાયું હતું.

અંગત મિત્ર અને સાલસ સ્‍વભાવના રાજેન્‍દ્રસિંહ જાડેજાનું વ્‍યક્‍તિત્‍વ જ એવું કે, ધોમધખતા તાપમાં છેક ખાવડા બન્નીના ગ્રામજનો, અબડાસાના ધારાસભ્‍ય, ભુજથી પત્રકાર મિત્રો, જિલ્લા ભરમાંથી કર્મચારીઓ, જિલ્લા બહારથી રાજય મંડળના હોદ્દેદારો તેમ જ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ, સદસ્‍યો અને વતન ભીમકટા ગામના ગ્રામજનો પણ મુન્‍દ્રા પહોંચી આવ્‍યા. તલાટી તરીકે કારકિર્દી શરૂ કરનાર રાજેન્‍દ્રસિંહ જાડેજા તાલુકા વિસ્‍તરણ અધિકારી તરીકે નિવૃત્ત થયા એ દરમ્‍યાન એમની લાંબી સુદીર્ઘ કામગીરી યશસ્‍વી રહી.

વ્‍યક્‍તિગત ફરજ હોય કે કર્મચારી આગેવાન તરીકે કર્મચારી બંધુઓના હિતની વાત હોય રાજેન્‍દ્રસિંહ જાડેજાએ પોતાની ફરજને બરાબર ન્‍યાય આપ્‍યો છે. કાર્યક્રમ દરમ્‍યાન કચ્‍છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, મુન્‍દ્રા તાલુકા પંચાયત પ્રમુખ રાણીબેન ચાવડાએ રાજેન્‍દ્રસિંહના ધર્મપત્‍ની ગીતાબા જાડેજાના યોગદાનની સરાહના કરી તેમનું બહુમાન કર્યું હતું.

કોરોના કાળમાં તેમની કામગીરી પ્રસંશનીય રહી હતી. સન્‍માનથી ભાવુક બનેલા રાજેન્‍દ્રસિંહ જાડેજાએ ફરજ દરમ્‍યાન સૌના સહયોગની ઋણ સ્‍વીકાર કર્યો હતો અને નિવૃતિ બાદ પણ લોકોને મદદરૂપ બનવાનો કોલ આપ્‍યો હતો.

વિદાય સમારોહમાં રાજય તલાટી મહામંડળના પ્રમુખ પંકજ મોદી, મુન્‍દ્રા માંડવી તા.ના ટીડીઓ વી.બી. ગોહિલ, નખત્રાણા ટીડીઓ વિનોદ જોશી, ભુજ ટીડીઓ શૈલેષ રાઠોડ,ᅠ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્‍દ્ર ગઢવી, રાજેન્‍દ્રસિંહ જાડેજાની ફરજ દરમ્‍યાન તેમના અંગત કર્મચારી મિત્રો નરેન્‍દ્ર શ્રીમાળી, ગિરિરાજસિંહ રાણા, દિવ્‍ય ભાસ્‍કર ભુજના તંત્રી વિપુલ વૈદ્ય, અકિલાના કચ્‍છના પ્રતિનિધિ વિનોદ ગાલા, સ્‍થાનિક પત્રકાર મિત્રો કપિલ કેશરીયા, રાહુલ દાવડા, દિલીપ ગોર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા

(12:06 pm IST)