Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ધોરાજીના ભુતવડ સરસ્વતી વિદ્યાપીઠ દ્વારા નર્સિંગ કોલેજમાં પરિક્ષા લેવાતા ટ્રસ્ટી વિરૂધ્ધ ગુન્હો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૯ : ધોરાજીનાં ભૂતવડ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાપીઠમાં કોરોના ગાઇડલાઇનનો ઉલાળીયો કરી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

જોકે આ ઘટનામાં સંસ્થાના મુખ્ય સંચાલક રણછોડભાઈ વઘાસિયાએ બનાવ મામલે બચાવ કરતા જણાવેલ કે સરસ્વતી વિદ્યાપીઠમા નર્સિંગ કોલેજ કાર્યરત છે. જેમાં અગાઉ થયેલા આયોજન મૂજબ પરીક્ષાની તારીખ જાહેર થયેલ. ત્યારબાદ કોવીડ ગાઇડ લાઇન આવી જતા સ્વાભાવિક છે કે પરીક્ષા મુલતવી રહે.

પરંતું નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલ હાલ બીમાર હોવાથી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ છે. જેથી સંકલનનો અભાવ થયો હોવાથી પરીક્ષા યોજાઇ હતી. સંસ્થાના મુખ્ય સંચાલક રણછોડભાઈ વઘાસિયાએ થયેલ ભૂલ સ્વીકારી હતી.

જોકે અનેક પ્રશ્નો ઉભા થાય કે નર્સિંગ કોલેજના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડયરનાં વિદ્યાર્થીઓની પરીક્ષાનુ આયોજન રાતોરાત તો નહી કરાયું હોય ? રૂમ નંબર, સીટ નંબરની વિદ્યાર્થીઓને જાણ તાત્કાલિક તો નહી કરાઈ હોઈ ?

૯૦ જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે દરેક રૂમમાં ૨૦ થી વધુ વિદ્યાર્થીઓને શા માંટે બેસાડવામાં આવ્યા ? શું પરીક્ષા લેનાર સ્ટાફ કોવીડ ગાઇડ લાઇન વિશે અજ્ઞાન હશે ?

એક તરફ સરકાર કોરોનાને નાથવા અનેક પ્રતિબંધો લાગુ કરી રહીં છે. તો બીજી તરફ શિક્ષણ સંસ્થા દ્વારા આવા સંજોગોમાં પરીક્ષા યોજી ૯૦ વિદ્યાર્થીઓની સાથે પરીક્ષક સ્ટાફને જોખમમાં મુકી દીધા હતા.

હાલ મળતાં સમાચાર મૂજબ ધોરાજી પોલિસ સરસ્વતી વિદ્યાપીઠ ખાતે દોડી જઈ સીસી ટીવીનાં ફૂટેજ મેળવી સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી હતી.

ધોરાજીના પોલીસ ઈન્સપેકટર હુકુમતસિંહ જાડેજાની સૂચનાથી પોલિસ જમાદાર હિતેશભાઈ ગરેજા સરકાર પક્ષે ફરિયાદી બની તમામ પુરાવાઓ એકત્રિત કરી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ સમાચારો પણ ધ્યાને રાખી ધોરાજી સરસ્વતી વિદ્યાપીઠ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી રણછોડભાઈ ધરમશીભાઈ વદ્યાસિયા વિરુદ્ઘ જાહેરનામાનો ભંગ બાબતનો ગુનો નોંધી તપાસ પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજાની સૂચનાથી હિતેશભાઈ ગરેજા એ હાથ ધરી છ.

ધોરાજી નર્સિંગ કોલેજમાં આ પ્રકારે પરીક્ષા લઈ સરકારની બદનામી થતા જે અંગે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરતા જે બાબતે ધોરાજી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ફફડાટ છવાઇ ગયો હતો.

(11:06 am IST)