Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

જુનાગઢનાં ખામધ્રોળમાં પોલીસ ફરિયાદના મનદુઃખથી બે જુથનો સામસામે હુમલો

બંને પક્ષના છ મહિલા સહિત કુલ ૧ર શખ્સો સામે કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૬ : જુનાગઢના ખામધ્રોળ ગામે પોલીસ ફરિયાદનાં મનદુઃખથી બે જુથે સામ સામે હુમલો કરતા નાના એવા ખામધ્રોળ ગામમાં હલચલ મચી ગઇ હતી.

પોલીસે બંને પક્ષના છ મહિલા સહિત કુલ ૧ર શખ્સો સામે કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકાના ખાંટ ફળીમાં રહેતા કુંદબેન પ્રતાપભાઇ મુળીયા (ઉ.વ.૩૮) વગેરે ઉપર અગાઉ થયેલ મારામારીની પોલીસ ફરિયાદનો ખાર રાખી તેના જ ગામનાં પ્રદીપ કાળુભાઇ ડાભી ઉર્ફે ગોરીલો સહિત ૯ શખ્સો પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને હુમલો કર્યો હતો.

લોહીયાળ ઇજા પહોંચાડવાની સાથે મોબાઇલ ફોન તોડી નાંખ્યો હતો. આ હુમલા અંગે મહિલા પ્રદિપ કાળુભાઇ તેમજ સાગર ડાભી, કાળુભાઇનો દિકરો સુંધો, સંજય સીડાભાઇ મકવાણા, રેખાબેન પોપટભાઇ ડાભી, લક્ષ્મી કારા ડાભી, કાંતાબેન સીદીયાભાઇ મકવાણા, વિભુતીબેન, સાગર ડાભી અને રંજન કારાભાઇ ડાભી સામે ફરિયાદ કરતાં તાલુકા પોલીસે તમામની સામે રાયોટીંગનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સામા પક્ષે વિભુતીબેન ડાભીએ રોહિત પ્રતાપભાઇ મુળીયા, વિજુ રામભાઇ રબારી અને કુંદનબેન પ્રતાપ સામે લોખંડના પાઇપ વગેરે વડે હુમલો કરી લોહીયાળ ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:00 pm IST)