Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

૨૮મીએ નરેન્‍દ્રભાઇના હસ્‍તે આટકોટની હોસ્‍પિટલનું લોકાર્પણ

પૂર્વ ધારાસભ્‍ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરત બોઘરાના પ્રયાસોથી લોકોને આરોગ્‍યની સુવિધા મળશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૯ : આટકોટ ખાતે ૪૦ કરોડના ખર્ચે બનેલી મલ્‍ટિ સ્‍પેશ્‍યલ હોસ્‍પિટલના લોકાર્પણમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આગામી તા. ૨૮ના રોજ આવી રહ્યા હોય આયોજકો દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવાય છે.

શ્રી પટેલ સેવા સમાજ આટકોટ દ્વારા સંચાલિત નહી નફો નહી નુકસાનના ધોરણે બનાવવામાં આવેલ મલ્‍ટિ સ્‍પેશ્‍યલ હોસ્‍પિટલનું કામ પૂર્ણ થવાના આરે છે ત્‍યારે જસદણ - વિંછીયા તેમજ આજુબાજુના પંથકના લોકો માટે આશિર્વાદરૂપ આ હોસ્‍પિટલમાં જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરાની ખૂબ જ મહેનતથી આધુનિક વાઘા પહેરી આ હોસ્‍પિટલ શરૂ થવા જઇ રહી છે. જેના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ હાજર રહેવાના હોય આ પંથકમાં ખૂબ જ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.  જાણવા મળ્‍યા મુજબ નરેન્‍દ્રભાઇ મોદી તા. ૨૮ના સવારે ૧૦ વાગ્‍યે રાજકોટ એરપોર્ટ ઉપર આવી ત્‍યાંથી હેલીકોપ્‍ટર દ્વારા આટકોટ આવી પહોંચશે. બાદમાં તેમના હસ્‍તે હોસ્‍પિટલનું લોકાર્પણ કરવામાં આવશે તેવું આ હોસ્‍પિટલના પાયાના પથ્‍થર ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્‍યું છે.

(12:17 pm IST)