Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં એરંડાના મણના ભાવ બમણા

એરંડાનું ઉત્પાદન ઓછું થવાથી ભાવમાં વધારો:અગાઉ એરંડાના એક મણના ભાવ ખેડુતોને 800ની આસપાસ મળતા હતા. જે હવે 1300થી વધુ મળે છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં હાલ ખેડૂતોને એરંડાના પુરતા ભાવ મળી રહ્યા છે.જો કે આ વખતે ઉત્પાદન ઓછુ થતાં ખેડૂતોની આવક ઓછી થઈ છે એરંડાના ભાવ વધતા ખેડૂતોને થોડી રાહત મળી છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં એરંડાના મણના ભાવ બમણા જેવા થયા છે. હાલ એરંડાની આવક યાર્ડમાં થઈ રહી છે અગાઉ ઓછા ભાવ મળતા એરંડાનું વાવેતર ઓછુ થયુ હતુ અને વાતાવરણની અસરના કારણે તેની ઉત્પાદન પણ ઘટયુ છે. જેના કારણે એરંડાની ઓછી આવક થતાં તેના ભાવમાં ઉછાળો આવ્યો છે.

જે અગાઉ એરંડાના એક મણના ભાવ ખેડૂતોને 800ની આસપાસ મળતા હતા. જે હવે 1,300થી વધુ મળી રહ્યા છે. મણના ભાવ 1,300થી વધુ મળતા ખેડૂતોને થોડી રાહત મળી છે. ઉત્પાદન ઘટતા અને સામે બિયારણ સહિતના ભાવ વધતા ખેડૂતોને ઓછા ભાવે નુક્શાન થવાની ભીતિ હતી. ત્યારે એરંડાના ભાવમાં ઉછાળો આવતા ખેડૂતોને થોડી રાહત મળી છે.

ગત વર્ષે હાપા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે 6 લાખથી વધુ મણની આવક થઈ હતી. વર્ષ 2020-2021માં કુલ 6,16,543 મણ એરંડાની આવક થઈ હતી. જેના ભાવ ઓછા મળતા તેની અસર આ વર્ષના વાવેતરમાં જોવા મળી છે. વાવેતરમાં ઘટાડો થતા એરંડાનું ઉત્પાદન હાલ 60 ટકા જેટલું ઓછું  થયુ છે. જેના ભાવ ગત વર્ષે એક મણના ભાવ રૂ. 750થી 850 નોંધાયા હતા. પરંતુ આ વર્ષે ખેડૂતોને એક મણના ભાવ 1,000થી 1,350 રૂપિયા સુધી ખુલ્લા બજારમાં નોંધાયા છે. ઓછા ઉત્પાદનના કારણે ભાવમાં વધારો થયો છે.

ગત વર્ષ સારા ભાવ ન મળતા ખેડૂતોએ એરંડાનું વાવેતર ઓછુ કર્યુ હતુ. જેમાં 60 ટકા જેટલુ વાવેતર ઓછુ થયુ હતુ અને વાવેતર બાદ પણ તેમાં વાતારવણની અસર થતાં ઉત્પાદન ઓછુ થયુ હતુ. આવા કારણોથી એરંડાનું ઓછુ ઉત્પાદન થતાં તેના ભાવમાં ઉછાળો થયો છે. પરંતુ બમણાની આસપાસનો ભાવ વધારો મળતા ખેડૂતોને થોડી આર્થિક રાહત જરૂર થઈ છે. પરંતુ ખેડૂતોની આવકમાં કોઈ વધુ ફરક પડયો નથી. હાલ સુધીમાં હાપા માર્કેટીંગ યાર્ડમાં એરંડાની કુલ 3,51,078 મણની આવક થઈ છે. હજુ પણ એરંડાની આવક ચાલુ છે. ખુલ્લા બજારમાં  ખેડૂતોને એરંડાના ભાવ સારા મળતા ખેડૂતોને થોડી આર્થિક રાહત થઈ છે.

(8:43 pm IST)