Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જીઈબી દ્વારા જૂનાગઢમાં દિવંગત ઇજનેર સાવલીયાની સ્‍મૃતિમાં મહારકતદાન કેમ્‍પ : ૧૮૫ બોટલ રકતદાન અર્પણ

રાજકોટ,તા. ૧૦: જૂનાગઢ ખાતે વિશ્વ થેલસેમિયા દીવસે ગુજરાત રાજય જીઇબી એન્‍જીનીયર એશોસીયેશનમાં કર્મચારી/અધિકારીઓનાં પ્રતિપાત્ર બની રહેલા દીવંગત રઘુભાઇ સાવલીયાની પ્રથમ પુણ્‍યતીથીએ ગુજરાતભરમાંથી વિજવિભાગનાં વિવિધ મંડળો સાથે સંકળાયેલ એન્‍જીનીયર અને કર્મચારીઓએ રક્‍તદાન કરી સ્‍વ. રઘુભાઇ સાવલીયાને ભાવાંજલી અર્પણ કરી હતી.

  આ પ્રસંગે રાજયનાં પીજીવીસીએલ નાં જોઈન્‍ટ મેનેજીંગ ડિરેકક્‍ટર સુશ્રી પ્રિતિ શર્માએ પોતે રક્‍તદાતા બની દિવંગત સાવલીયાને પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથીએ શ્રધ્‍ધાસુમન અર્પણ કરી ઉપસ્‍થિત વિજવીભાગનાં અધિકારીઓ, કર્મચારીઓને સંબોધતા જણાવ્‍યુ હતુ કે ગુજરાતનાં વિજવિભાગનાં કર્મચારીઓ માનવિય સંવેદના સાથે લોકસેવામાં અગ્રેસર છે, જેના થકી પારસ્‍પરીક સામાજીક બંધનો થકી એક્‍ય અને સુમેળતાનું સંધાન થાય છે.

આ તકે ચીફ એન્‍જિનિયર શ્રી ગાંધી, શ્રી જાદવ, શ્રી ભટ્ટ, જનરલ મેનેજર શ્રી મલકાન, જીબીયા કોર કમીટીનાં સભ્‍યો, સીએમી.સી મેમ્‍બર્સ તથા એજીવીકેએસનાં  શ્રી બળદેવભાઇ પટેલ,શ્રી દેશાણી, શ્રી ચેતનસિહ,  શ્રી હર્ષદભાઇએ રક્‍તદાન શિબીરની સફળતા બદલ જુનાગઢ જેટકો અને પીજીવીસીએલનાં કર્મનિષ્ઠ અધિકારી/ કર્મચારીઓને બિરદાવી  સ્‍વ. રઘુભાઇ સાવલીયાનાં પરીવારને શાંતવના પાઠવી શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે જૂનાગઢનાં જાણીતા પેથોલોજીસ્‍ટ ડો. જી.કે.ગજેરા, અને શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્‍ટનાં મેનેજીંગ ડીરેક્‍ટર અને ચેરમેનશ્રી જે.કે.ઠેશીયાએ પ્રાસંગિક વક્‍તવ્‍યમાં થેલેસેમિયા દિને વિજવિભાગનાં કર્મનીષ્ઠ દિવંગત અધિકારી માટે રક્‍તદાન શીબીરનું આયોજન કરવા કાર્યક્રમનાં આયોજકોને બિરદાવી સ્‍વ. રઘુભાઇ સાવલીયાનાં ધર્મપત્‍ની અને પુત્ર અંકીતને સધિયારો આપ્‍યો હતો.      

જૂનાગઢ ખાતે સ્‍વ. રઘુભાઈ સાવલિયા ની પ્રથમ પુણ્‍ય તિથિ નિમિત્તે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ નું આયોજન જીબીઆ પરિવાર જૂનાગઢ દ્વારા કર્યુ જેમાં

૫૦૦ થી વધુ લોકો  ઉપસ્‍થિત રહી કુલ ૧૮૫ લોકોએ રક્‍તદાન કરી વિશ્વ થેલેસેમિયાદિને રક્‍તની આવશ્‍યકતા ધરાવતા દર્દીઓને ઉપયોગી થવા યોજાયેલ મેગા રક્‍તદાન કેમ્‍પમાં પોતાની સહભાગીતા નોંધાવી હતી.

જીઈબી એન્‍જિનિયર એસોસિયેશન. સેક્રેટરી જનરલ શ્રી બી એમ શાહે  રઘુભાઇની જીવનઝરમર વર્ણવતા અને જીબીઆ દ્વારા થતા સમાજહિતનાં કાર્યોની વાત વર્ણવી હતી.

 કાર્યક્રમનાં અંતે જેટકોનાં શ્રી હરેશભાઇ વઘાસિયાએ  પ્રવચનમાં રક્‍તદાશ્રીઓનો આભાર માન્‍યો હતો.

(11:53 am IST)