Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કોડીનારના વેલણ ગામ પાસે દરગાહમાં અસામાજીક તત્‍વો દ્વારા તોડફોડ

હિન્‍દુ-મુસ્‍લિમ સમાજે ઘટનાને વખોડી : પોલીસ બંદોબસ્‍ત

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા. ૧૦ : કોડીનાર તાલૂકા ના વેલણ ગામ નજીક આવેલ રોડ ઉપર આવેલ પતુર વિસ્‍તારમાં દલિત સમાજ ના મનુભાઈ ઉગાભાઈ વાઘેલાની વાડીમાં આવેલ અલીશા બાવાની દરગાહમાં હાલ નવું બાંધકામ નું કામ ચાલી રહ્યું છે.

ત્‍યારે ગત મોડીરાત્રી ના કોઈ અજાણ્‍યા અસામાજીક તત્‍વોએ દરગાહ ની ગુંબજ,મિનારાને નુકશાન કરી તોડફોડ કરી દરગાહ ની અંદર પ્રવેશી તુરબત ઉપર થી ચાદર ફેંકી દરગાહનું અપમાન કરી સિમેન્‍ટના પતરાં અને પાણી નો ટાંકો તોડી નાંખી મુસ્‍લિમ સમાજ ની ધાર્મિક લાગણીને ઠેસ પોહચાડતા આ અંગે આજે વ્‍હેલી સવારે દરગાહ ખાતે કામ કરવા જતાં દિલાવર ભીખુશાહ જલાલી અને નજીર ભીખુશાહ જલાલીને નજરે પડતા તેમણે આ ઘટના અંગે વેલણ ગામજનો એ જાણ કરતા વેલણના સરપંચ લખમભાઈ આગિયા, રમેશ રાજા,વિજયભાઈ સોલંકી, રણસિંહભાઈ બાભણીયા, અશ્વિનભાઈ મકવાણા સહિતના હિન્‍દૂ સમાજના લોકો અને મોટી સંખ્‍યામાં મુસ્‍લિમ લોકો દરગાહ ખાતે દોડી જઇ આ ઘટના અંગે પોલીસ તંત્રને જાણ કરતા બનાવની ગંભીરતા સમજી ગીર સોમનાથના એસ.પી. મનોહરસિંહ જાડેજા, એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ, પી.આઈ. અશોકભાઈ મકવાણા, પી.એસ.આઈ. ડાંગર સહિતના પોલીસ સ્‍ટાફે ઘટના સ્‍થળે દોડી જઈ સમય સૂચકતા વાપરી પરિસ્‍થિતિનો ત્‍યાગ મેળવી પરિસ્‍થિતિ ઉપર કાબુ મેળવી દરગાહ ખાતે બંદોબસ્‍ત ગોઠવી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટના કોઈ હિન્‍દૂ મુસ્‍લિમ સમાજ ની નહિ પણ કોઈ અસામાજીક તત્‍વો દ્વારા પોતાના અંગત સ્‍વાર્થ માટે કરી હોય હિન્‍દૂ મુસ્‍લિમ સમાજ ને ભાઈચારો અને કોમી એકતા જાળવી રાખવા અપીલ કરી ભવિષ્‍યમાં આવો કોઈ બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા દરગાહ ખાતે હાલ કાયમી પેટે બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે.આ ઘટનાની જાણ થતાં કોડીનાર શહેર ના મુસ્‍લિમ નવ યુવકો અવેશબાપુ કાદરી, મેંહદીહસન નકવી (મેંહદીબાપુ) વગેરે ઘટના સ્‍થળે દોડી ગયા હતા.

(11:20 am IST)