Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સુપેડીમાં ગોવર્ધનનાથજી હવેલીનો પાટોત્‍સવ આવતા શનિવારે શ્રીનાથજીની ઝાંખી

રસીકરાયજી મહારાજ અને ચંદ્રગોપાલજી વચનામૃતનો લાભ અપાશે ગામ સમસ્‍ત મહાપ્રસાદનું આયોજન

રાજકોટઃ ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં શ્રી ગોવર્ધનનાથજી પુષ્‍ટિમાર્ગીય હવેલીના પ્રથમ પાટોત્‍સવ અને શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમના પગલે ગામમાં ધર્મમય વાતાવરણ સર્જાયું છે. આગામી તા.૧૪ને શનિવારે યોજાનારા આ કાર્યક્રમમાં શ્રી દ્વારકેશ નિકેતન હવેલી (મોટી હવેલી) ઉપલેટાવાળા પૂ.પાદ ગોસ્‍વામી ૧૦૮ શ્રી રસીકરાયજી મહારાજ તથા તેમના આત્‍મજ પૂ.પા.ગોસ્‍વામી ૧૦૮ શ્રી ચંદ્રગોપાલજી મહારાજના વચનામૃતનો લાભ આપશે.

સુપેડી કડવા પટેલ સમાજ પાસે, તાલુકા શાળા સામે અદ્યતન હવેલીનું પુષ્‍ટીમાર્ગીય વિધિવધાન સાથે નવનિર્માણ કરાયું છે. આ નવનર્મિત હવેલીના પ્રથમ અલૌકિક પાટોત્‍સવ સાથે હવેલીમાં શ્રીનાથજી પાટ પધરાવાશે અને તે સાથે જ વૈષ્‍ણવોઓ માટે નિત્‍ય દર્શન માટે હવેલીનો પ્રારંભ થશે.

પાટોત્‍સવ નિમિત્તે યોજાયેલ અલૌકિક પ્રસંગોમાં તા. ૧૪ને શનિવારે સવારે ૭:૩૦ કલાકે શ્રી દિનેશભાઇ ફળદુના નિવાસસ્‍થાનેથી ઠાકોરજીની શોભાયાત્રાનો શુભારંભ થશે. સવારે ૧૦ કલાકે સામૈયા યોજાશે. ૧૦:૩૦ કલાકે પંચામૃત બાદ સવારે ૧૧ કલાકે બ્રહ્મસંબંધ અપાશે. બપોરે ૧૨.૩૦ કલાકે તિલક આરતી, સાંજે ૪ કલાકે મહારાજશ્રી વચનામૃતનો લાભ આપશે. હવેલીના નિમાર્ણ માટે આર્થિક સહયોગ આપનારા દાતાઓનો સન્‍માનનો કાર્યક્રમ ૪.૩૦ કલાકે યોજયા બાદ સાંજે ૫.૩૦ કલાકે ગામ સમસ્‍ત વૈષ્‍ણવો માટે મહાપ્રસાદ રાખેલ છે. રાત્રીના રાજકોટની શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રજુ થશે આ માટે અમદાવાદના શ્રી મગનભાઇ જાવીયા, શ્રી અંકુરભાઇ ભાલોડીયા તથા શ્રી અશ્વિનભાઇ ગોવાણીનો સહયોગ મળેલ છે.

(11:20 am IST)