Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મત્‍સ્‍ય વિજ્ઞાન મહાવિદ્યાલયની રૂા.૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત તરંગ બોયઝ હોસ્‍ટેલનું લોકાર્પણ

દરિયા કિનારા નજીક જ માછલીઓનો મોટો જથ્‍થો ઉપલબ્‍ધ થઇ શકે તે માટે ભારત સરકાર આગામી સમયમાં કાર્યક્રમ હાથ ધરશે : મત્‍સ્‍યદ્યોગમાં બે થી ત્રણ ગણા વિકાસની સંભાળવનાઓ છે : કેન્‍દ્રીય મંત્રી રૂપાલા

પ્રભાસ પાટણ, તાઃ૦૯, કેન્‍દ્રીય મત્‍સ્‍યદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલાએ વેરાવળ ખાતેની મત્‍સ્‍ય વિજ્ઞાન મહાવિદ્યાલની રૂ. ૩.૩૫ કરોડના ખર્ચે નવ નિર્મિત અદ્યતન તરંગ બોયઝ હોસ્‍ટલનુ લોકાર્પણ કરતાં જણાવ્‍યું કે, અહીયાની કોલેજના અંતિમ વર્ષમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત સરકારની અને ખાસ કરીને મત્‍સ્‍ય વિભાગની યોજનાઓનો લાભ મેળવી ઉદ્યોગ સાહસિક બને તે દિશામાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. કામધેનુ યુનિવર્સિટી સલગ્ન આ મત્‍સ્‍ય વિજ્ઞાન મહાવિદ્યાલની હોસ્‍ટેલની તકતી અનાવરણની સાથે મંત્રીશ્રીએ હોસ્‍ટેલની અદ્યતન સુવિધાઓનુ પણ નિરીક્ષણ કર્યું હતું.

પ્રવર્તમાન સમયમાં માછીમારોને માછીમારી કરવા માટે દરિયામાં બહુ દૂર જવુ પડે છે. તેના કારણે ઘણી સમસ્‍યાઓ પણ ઉદભવે છે. જેથી આ સમસ્‍યાઓ નિવારવા માટે અને દરિયા કિનારા સમીપ જ માછીમારી કરી શકે અને દરિયા કિનારા નજીક માછલીઓનો મોટો જથ્‍થો ઉપલબ્‍ધ થઈ શકે તે માટે ભારત સરકાર આગામી સમયમાં કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. તેમ જણાવતા મંત્રીશ્રીએ ક્‍હ્યું કે, પ્રધાનમંત્રી શ્રી મોદીએ ફીશરીઝ સેક્‍ટરમાં વિકાસ રહેલી સંભાવનના ધ્‍યાનમાં રાખીને એક સ્‍વતંત્ર વિભાગ શરૂ કર્યો છે. ફિશરીઝ ક્ષેત્ર બે થી ત્રણ ગણા વિકાસની સંભાવનોઓ રહેલી હોવાનુ ઉમેર્યું હતું.

કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક પ્રવાહો પલટાયા છે. આ યુદ્ધના કારણે દુનિયાના દેશોમાં એક ડિવિઝન પણ જોવા મળી રહ્યું છે. આ મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં ભારતની ભૂમિકા મહત્‍વની રહેવાની સાથે વિકાસ માટે નવી તકો પણ ખુલ્લી છે. તેમ જણાવતા મંત્રી શ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભારત એક મજબૂત સામરિક શક્‍તિ તરીકે ઉભરી આવ્‍યું છે. તેવો ઉલ્લેખ કર્યો હતો.

આ કાર્યક્રમમાં રાજયના મત્‍સ્‍યદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી પણ વીડોયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી જોડાયા હતા.

 આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્‍યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દૂરોગામી દ્રષ્ટિના કારણે દરિયા કિનારાના આ વિસ્‍તારને ફીશરીઝ કોલેજ મળી છે. જેનાથી વિદ્યાર્થીઓને અભ્‍યાસ અર્થે અન્‍ય રાજયમાં જવુ પડતું નથી. સાથે રોજગારીના નવા દ્વાર વિદ્યાર્થીઓ માટે ખૂલ્‍યા હોવાનો ઉલ્લેખ કરતાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામના પાઠવી હતી.

કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એન.એસ. કેશવાલાએ નવનિર્મિત તરંગ બોયઝ હોસ્‍ટેલની ડાઈનીંગ હોલ, દિવ્‍યાંગો માટે સ્‍પેશ્‍યલ રૂમ, જીમ સહિતની અદ્યતન સુવિધાઓની વિગતો આપતા આ કોલેજમાં પ્રથમવાર કેબિનેટ કક્ષાના મંત્રી આવ્‍યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ફીશરીઝ કોલેજના ડીન શ્રી જે.એસ પટેલે શાબ્‍દિક સ્‍વાગત અને મત્‍સ્‍ય વિજ્ઞાન મહાવિદ્યાલના આચાર્ય ડો. એસ.આઈ. યુસુફઝાઈએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે નવ નિર્મિત તરંગ બોયઝ હોસ્‍ટલના પરિસરમાં મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્‍તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતુ.

આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એન. કે. ગોંટિયા, મત્‍સ્‍યદ્યોગ કમિશનર શ્રી સતિષ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, પૂર્વ ધારાસભ્‍ય રાજશીભાઈ જોટવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્‍દ્ર ખતાલે, પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયા, અગ્રણી લખમણભાઈ ભેસલા, શ્રી વેલજીભાઈ મસાણી, તુલશીભાઈ સહિતના મહાનુભાવો અને મત્‍સ્‍ય વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:25 am IST)