Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગીર-જંગલ વિસ્‍તારોમાં તૃણાહારી વન્‍ય પ્રાણીઓના વસ્‍તી અંદાજની કામગીરી

ર૦ મી સુધી પાંચ તબક્કામાં વિવિધ રીતે કામગીરી હાથ ધરાશે

રાજકોટ, તા. ૧૦ :  મોટા સસ્‍તન માસાહારી વન્‍ય પ્રાણીઓ તેમની પ્રભાવશાળી શૈલી, ફલેગશીપ અને કીસ્‍ટોન પ્રકૃતિના કારણે પારિસ્‍થિકતંત્ર તેમજ જૈવવિવિધતા સંરક્ષણમાં મહત્‍વનું સ્‍થાન ધરાવે છે. મોટા માસાહારી વન્‍ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ખોરાકના સંરક્ષણ સાથે સીધુ સંકળાયેલું છે. જેમાં મોટા અને નાના તૃણાહારી વન્‍ય પ્રાણીઓ, પ્રાઇમેટસ તેમજ મોટા કદના પક્ષીઓનો સમાવેશ થાય છે. વન વિસ્‍તારોમાં તૃણાહારી વન્‍ય પ્રાણીઓના સંરક્ષણ અને વ્‍યવસ્‍થાપન માટે તેમના વિતરણ અને વિપુલતાનું નિરીક્ષણ કરવું જરૂરી છે. તેમનું નિરીક્ષણ લેન્‍ડ સ્‍કેપ તેમજ પારિસ્‍થિકતંત્ર સ્‍તરે વિવિધ પારીસ્‍થિતિકીય પ્રક્રિયાઓને સમજવામાં પણ મદદ કરે છે. અનેક વૈજ્ઞાનિક અભ્‍યાસોમાં વન વિસ્‍તારમાં તૃણાહારી વન્‍ય પ્રાણીઓની વસ્‍તુ અને તેની વિપુલતાનો અંદાજ કાઢવાની જરૂરીયાત ઉપર ભાર મુકવામાં આવેલ છે. તદુપરાંત, વાર્ષિક કામગીરીના ભાગરૂપે અને તૃણાહારી વન્‍ય પ્રાણીઓની વસ્‍તીના વલણોને જાણવા માટે ગીર રક્ષિત વિસ્‍તારોમાં દર વર્ષે તૃણાહારી વન્‍ય પ્રાણીઓના વસ્‍તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આને ધ્‍યાનમાં રાખીને ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરત રાજયના સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના એશિયાટીક લયાન લેન્‍ડસ્‍કેપમાં તૃણાહારી વન્‍ય પ્રાણીઓનો વસ્‍તી અંદાજ હાથ ધરવામાં આવી છે.

 એશિયાટીક લાયન લેન્‍ડસ્‍કેપમાં પાંચ સંરક્ષિત વિસ્‍તારો (ગીર વન્‍યજીવ અભ્‍યારણ્‍ય, ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન, પાણીયા વન્‍યજીવ અભ્‍યારણ્‍ય, મિતીયાળા વન્‍યજીવ અભ્‍યારણ્‍ય અને ગીરનાર વન્‍યજીવ અભ્‍યારણ્‍ય) તેમજ અન્‍ય શ્રેણીના વન વિસ્‍તારોનો સમાવેશ થાય છે જે ૩૦ થી વધુ સસ્‍તન વન્‍ય પ્રાણીઓની પ્રાજાતિઓનું ઘર છે. આ પૈકી એશિયાઇ સિંહ અને ભારતીય દિપડો ટોચના માસાહારી વન્‍ય પ્રાણીઓ છે. મધ્‍ય તેમજ નાના માસાહારી વન્‍ય પ્રાણીઓમાં ભારતીય સોનેરી શિયાળ, લોંકડી, વરૂ, ઝરખ, જંગલી બિલાડી, કાટ-વરણી ટપકાવાળી બિલાડી, ઘોરખોદીયુ, નોળીયો, વિજ વિગેરેનો સમાવેશ થાય છે.

વાર્ષિક ગણતરીના ભાગરૂપે મે ર૦રર માં એશિયાટીક લાયન લેન્‍ડસ્‍કેપમાં તબક્કાવાર રીતે તારીક ૦૮ થી ર૦ મે દરમિયાન તૃણાહારી વન્‍ય પ્રાણીઓના વસ્‍તી અંદાજની કામગીરી ડિસ્‍ટન્‍સ સેમ્‍પલીંગ પધ્‍ધ્‍તિના ઉપયોગ વળે કરવામાં આવનાર છે. લેન્‍ડસ્‍કેપમાં અલગ-અલગ વન વિસ્‍તારોમાં પ્રસ્‍થાપિત માર્ગો પર વાહન તેમજ ચાલીને ગણતરી કરવામાં આવશે. સમગ્ર કામગીરી પાંચ તબક્કામાં માથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગીર વન્‍યજીવન અભ્‍યારણ્‍ય અને રાષ્‍ટ્રીય ઉદ્યાન, પાણીયા વન્‍યજીવન અભ્‍યારણ્‍ય, મિતીયાળા, વન્‍યજીવ અભયારણ્‍યનો સમાવેશ અને રાષ્‍ટ્રીય ઉદ્યાન, પાણીયા વન્‍યજીવ અભ્‍યારણ્‍ય, મિતીયાળા વન્‍યજીવ અભ્‍યારણનો સમાવેશ કરવામાં આવેલ છે. બીજા તબક્કામાં ગીર રક્ષિત વિસ્‍તારઓની આસપાસની અનામત અને બીન અનામત વીડીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ત્રીજા તબક્કામાં ગીરનાર વન્‍યજીવન અભ્‍યારણ્‍ય અને જુનાગઢ વન વિભાગ, જુનાગઢની અનામત અને બિન અનામત વિડી વિસ્‍તારોનો સમાવેશ કરવામાં આવેલ છે. ચોથા તબક્કામાં ભાવનગર વન વિભાગ, ભાવનગરની અનામત અને બીનઅનામત વિડી વિસ્‍તારનો સમાવેશ કરવામાં આવેલ છે. પાંચમાં તબક્કામાં આ વર્ષે સૌપ્રથમ વખત દરીયા કાઠાના વન વિસ્‍તારોમાં તૃણાહારી વન્‍ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવનાર છે.

ઉપરોકત કામગીરી દરમિયાન કુલ ૯ પ્રજાતિના વન્‍ય પ્રાણીઓ જેવા કે ચિતલ, સાબર, નીલ ગાય, ચોશીંગા, ચીંકારા, કાળીયાર, જંગલી ભૂંડ, વાંદરા અને મોરનો વસ્‍તીનો અંદાજ કરવામાં આવશે. વસ્‍તી અંદાજની કામગીરી વૈજ્ઞાનિક ઢંગથી સારી રીતે થઇ શકે તે માટે તમામ ગણતરીકારને આ અંગેની તાલીમ આપવામાં આવેલ છે. આ કામગીરીમાં લેઝર રેન્‍જ ફાઇન્‍ડર, જીપીએસ સેટ, દુર્બીન જેવા અત્‍યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. ગણતરીકારો દ્વારા સવારે ૬ કલાકથી તેમજ સાંજના ૧પ કલાકથી ડેટા એકત્રીકરણની કામગીરી કરવામાં આવશે. ગણતરીકારોને ફાળવવમાં આવેલ અલગ-અલગ રૂટ ઉપર જઇ નિયત નમૂના પત્રક પ્રમાણે ડેટા એકત્રીત કરવાના રહેશે. એકત્રીત કરવામાં આવેલ ડેટાનું સંકલન કરી ડીસ્‍ટન્‍સ સોફટવેરના ઉપયોગ વળે વિશ્‍લેષણ કરી તાર્કિક રીતે અહેવાલ બનાવવામાં આવશે. ભવિષ્‍યમાં આ ડેટા આ વિસ્‍તારના વ્‍યવસ્‍થાપન માટે ઉપયોગી થશે તેમ ડો. મહન રામ નાયબ વન સંરક્ષક વન્‍યપ્રાણી વિાભગ, સાસણ-ગીર, ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍ય જીવ અભ્‍યારણ્‍ય, જુનાગઢ, ગુજરાત (ભારત)ની યાદીમાં જણાવાયું છે. 

(11:43 am IST)