Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જુનાગઢમાં વૃધ્‍ધાને છરી બતાવી માર મારી કાનમાંથી બુટી, રોકડ સહિત રૂા. પ.ર૬ લાખની લૂંટ

બે બુકાનીધારીનો વૃધ્‍ધાએ પ્રતિકાર કરતા પાંચ લાખ બચી ગયા : એસ.પી. સહિત પોલીસ અધિકારીઓ દોડી ગયા : તપાસ માટે ૪ ટીમનો ધમધમાટ - જાણભેદુનો હાથની આશંકા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૦ : જૂનાગઢના સમી સાંજે ઘરમાં ઘુસી બે બુકાની ધારીએ વૃધ્‍ધાને છરી બતાવી માર મારીને કાનમાંથી બુટી તેમજ રોકડ સહિત રૂા. ૫.૨૬ લાખની માલમતાની લુંટ ચલાવીને નાશી જતા સનસની મચી ગઇ હતી.

આ બનાવમાં પગલે એસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. તપાસ માટે પોલીસની ચાર ટીમ બનાવી લૂંટારૂઓ પકડી પાડવા ચકો ગતિમાત કરાયા છે.

જૂનાગઢનાં જોશીપરાના આંબાવાડી વિસ્‍તારમાં આવેલ બાલસાગરમાં રહેતા પ્રકાશભાઇ ભુરાભાઇ બાલસના પત્‍ની જયાબેન (ઉવ.૫૫) ગત રાત્રે ૭:૩૦ના આરસામાં પોતાના ઘરે એકલા હતા.

ત્‍યારે પ્રથમ એક અજાણ્‍યા શખ્‍સે આવીને બાલસભાઇ છે કે નહિ તેમ પુછીને જતો રહતો હતો આ પછી બે અજાણ્‍યા બુકાનીધારી શખ્‍સો ઘરમાં ઘૂસી ગયા હતા.

બાદમાં તકનો લાભ લઇ જયાબેનનું મોઢુ દબાવી છરી બતાવી અને ઢીકાપાટુનો મારમારીને વૃધ્‍ધાએ કાનમાં પહેરેલ સોનાની બુટી લૂંટ ચલાવી હતી.

પરંતુ જયાબેન લૂંટારૂઓનો પ્રતિકાર કરીને રૂમ બંધ કરી બાથરૂમમાં સંતાય ગયા હતા.  પણ લૂંટારૂઓએ દરવાજાને તોડીને કબાટમાંથી લૂટ ચલાવી હતી.

પરંતુ જયાબેનની પાસે રહેલ રૂા. પાંચ લાખની રોકડ બચી જવા પામી હતી.

બંને બુકાનીધારી બુટી તેમજ કબાટમાંથી રૂા. બે લાખની રોકડ, સોનાના બે ચેઇન તથા બે હાર અને વીટી મળી કુલ રૂા. ૫.૨૬ લાખની મતાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા.

લૂટના બનાવની જાણ થતા એસપી રવિ તેજા વાસમ સેટ્ટી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા,ક્રાઇમ બ્રાંચના પીઆઇ ભાટી, બી ડીવીઝનના ઇન્‍ચાર્જ પીઆઇ પટેલ વગેરે દોડી ગયા હતા.

દરમ્‍યાન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, લૂંટનો ભેદ ઉકેલવા અને લુંટારૂઓને પકડવા પોલીસની ચાર ટીમન બનાવી તપા  હાથ ધરવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું હતુ કે જયાબેન તથા તેમના પતિ અને મહાનગરપાલીકામાં નોકરી કરતો પુત્ર પુત્રવધુ સહિત રહે છે. જ્‍યારે અન્‍ય એક તબીબ પુત્ર અને તેના પત્‍ની વડોદરા ખાતે રહે છે. બનાવ સમયફે વૃધ્‍ધા તેમના ઘરે એકલા જ હતા.

આ લૂંટ બારામાં સીસીટીવી ફુટેજ, ટેકનીકલ સોર્સ અને એફએસએલની મદદ લેવામાં આવી છે.

વધુમાં પ્રાપ્‍ત માહિતી મુજબ લુંટનો ભોગ બનેલા તેમના ઘરે એકલા હોવાની જાણ તેમની નજીકની વ્‍યકિતને હોય તેમ જણાતુ હોય આ બનાવમાં જાણભેદુનો હાથ હોવાની શકયતા નકારી શકાતી નથી.

(11:44 am IST)