Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વ્‍યકિત સમાજ દેશ તંદુરસ્‍ત બને તે માટે નિયમિત યોગ કરવા પરસોતમભાઇનો અનુરોધ

પોરબંદરની કોસ્‍ટગાર્ડ જેટીમાં યોગ સાધકો અને ખારવા સમાજના લોકો સાથે યોગ કરતા કેન્‍દ્રીય મત્‍સ્‍ય પાલન મંત્રીઃ યોગ સાથે આયુર્વેદિકનું મહતવ સમજાવ્‍યું

(પરેશ પારેખ દ્વાર) પોરબંદર તા. ૧૦ :.. કોસ્‍ટગાર્ડ જેટી ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના કાઉન્‍ટ ડાઉનની સમીક્ષા કરીને કેન્‍દ્રીય મત્‍સ્‍ય પાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોતભાઇ રૂપાલાએ વ્‍યકિત સમાજ અને દેશ તંદુરસ્‍ત બને તે માટે નિયમિત યોગ કરવા અનુરોધ કર્યો હતો. કેન્‍દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ કોસ્‍ટ ગાર્ડ જેટી ખાતે યોગ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહીને યોગ સાધકો અને ખારવા સમાજના લોકો સાથે યોગ કર્યા હતાં.

કેન્‍દ્રીય મંત્રી પરસોતમભાઇએ જણાવેલ કે યોગ અને આયુર્વેદ પુનઃ સ્‍થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ મહત્‍વનું કાર્ય કર્યુ છે. અને ઘરે ઘરે યોગ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યોગ તરફ આજની નવી પેઢી વળે, અને આ અનમોલ વિદ્યા દ્વારા તન અને મનને તંદુરસ્‍ત બને અને તન-મનથી રાષ્‍ટ્રને તંદુરસ્‍ત બનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. વ્‍યકિત, સમાજ અને દેશ તંદુરસ્‍ત બને તે માટે નિયમિત યોગાભ્‍યાસ કરવાનો સંકલ્‍પ કરીએ, યોગ અને આયુર્વેદ આ બન્ને સદપ્રમાણ અનુપાલન વ્‍યકિતક જીવનમાં વધે તો સામાજિક તંદુરસ્‍તીનું સ્‍તર આપોઆપ ઉપર આવે. ફિશીરીઝ વિભાગ દ્વારા દરિયાઇ પટ્ટી વિસ્‍તારમાં યોગને વધુને વધુ લોકો સુધી લઇ જવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

ર૧ જુન વિશ્વ યોગ દિવસ નિમિતે સરકારના જુદા જુદા તમામ વિભાગો યોગાસન કાર્યક્રમમાં જોડાશે.  પોરબંદર ઉપરાંત વારાણસી, દિલ્‍હી, કોચી સહિતના સ્‍થળોએ પણ યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

યોગ કાર્યક્રમમાં ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા, મત્‍સ્‍ય વિભાગના સચિવ જનિન્‍દ્ર શ્વૈન, સેક્રેટરી જે. બાલાજી, જિલ્લા કલેકટર અશોક શર્મા, ડાયરેકટર સતીષ પટેલ, ડી. આઇ. જી. કોસ્‍ટ ગાર્ડ એસ. કે. વર્ગિસ, આર. કે. સીંઘ, ડો. આર. જાયાબાશકરન ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ સહિત મહાનુભાવો, અધિકારીઓ તથા બહોળી સંખ્‍યામાં યોગ સાધકો ઉપસ્‍થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન નિરવભાઇ જોષીએ કર્યુ હતું.

(1:00 pm IST)