Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મોરબી જીલ્લા વીસીઈ મંડળ સમાન કામ સમાન વેતનની માંગ સાથે મેદાને

મોરબી જીલ્લા ગ્રામ પંચાયત કોમ્‍પ્‍યુટર સાહસિક (ઓપરેટર) મંડળે આવેદન આપ્‍યું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૦: ગ્રામ પંચાયત ઈ ગ્રામ કોમ્‍પ્‍યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન, લઘુતમ વેતનનો ભંગ થતો હોય જેથી કમીશન પ્રથા બંધ કરાવી ફિક્‍સ વેતનથી નિમણુંક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા ગ્રામ પંચાયત કોમ્‍પ્‍યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા મોરબી જીલ્લા વિકાસ અધિકારી મારફત રાજયપાલને આવેદન પાઠવી જણાવ્‍યું છે કે રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળે મુખ્‍યમંત્રીને લેખિત રજૂઆત ૨૦૧૬ થી કરવામાં આવી રહી છે અને નવા મુખ્‍યમંત્રી તેમજ પંચાયત મંત્રીને પણ રજૂઆત કરી તા ૨૧-૧૦-૨૦૨૧ ના રોજ હડતાલ કરવાની જાહેરાત મંડળે કરી હતી જેથી પંચાયત મંત્રી દ્વારા તા ૨૦-૧૦-૨૦૨૧ના રોજ બેઠક કરી વીસીઈના પ્રશ્નો અને માંગણીઓ સ્‍વીકારી નિરાકરણ લાવવાની બાહેંધરી આપી હતી બાદમાં તા ૨૭-૧૦-૨૦૨૧ ના રોજ મુખ્‍યમંત્રી સાથે બેઠક કરાવી પગાર ધોરણ માંગણીનું નિરાકરણ લાવવા મુખ્‍યમંત્રીએ સુચના આપતા સકારાત્‍મક બાહેંધરી આપી હતીᅠ જોકે રાજયના ૧૩,૦૦૦ જેટલા વીસીઈનો પ્રશ્ન ઉકેલાયો નથી અને શોષણ કરવામાં આવે છે જે મૂળભૂત હકોનું હનન છે.

વીસીઈ મંડળની માંગણીઓ

૧. કમીશન પ્રથા બંધ કરી ફિક્‍સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે

૨. સરકાર સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે

૩. આરોગ્‍ય લક્ષી સુવિધા આપતા અરીવાર સહીત વીમા કવચ આપવામાં આવે

૪. વીસીઈને ગ્રામ પંચાયત ખાતે દબાણ થતું હોય દબાણમાં ના આવતા વીસીઈને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે જે બાબતે જોબ સિક્‍યુરીટી બાબતનો જી આર કારવામાં આવે અને સરકારની મંજુરી વગર કોઈ પંચાયત વીસીઈને કાઢી ના સકે

૫. કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઈને આર્થિક સહાય આપવામાં આવે.

મંડળ દ્વારા માંગણીઓ કરેલ જેમાંથી સરકારે માંગણીઓ સ્‍વીકારીને નિરાકરણ લાવવા બાહેંધરી આપી હતી પરંતુ કોઈ અમલ કરાયો નથી જેથી તમામ વીસીઈ સરકારની નીતિનો વિરોધ કરશે અને ગાંધી ચિંધ્‍યા માર્ગે તા ૧૧-૦૫-૨૦૨૨ ના રોજથી તમામ ઈ ગ્રામ પંચાયત કેન્‍દ્ર બંધ રાખીને ગાંધીનગર સત્‍યાગ્રહ છાવણી ખાતે ભેગા થશે અને ન્‍યાય માટે લડત આપશે

(1:01 pm IST)