Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

આ વર્ષે પ્રથમવાર દરિયાઇ વિસ્‍તારોમાં પણ તૃણાહારી પ્રાણીઓની ગણતરી

સિંહ, દીપડા સહિતના પ્રાણીઓ માટે ખોરાક ગણાતા પ્રાણીઓ કેટલા તેનો અંદાજ મેળવવા કવાયત

જૂનાગઢ,તા. ૧૦: દર વર્ષે ઉનાળામાં ગીર જંગલમાં સિંહ-દીપડાનો ખોરાક ગણાય એવા તળણાહારી પ્રાણીઓની સંખ્‍યા કેટલી છે તેનો અંદાજ વનવિભાગ દ્વારા મેળવવામાં આવે છે. જેમાં આ વર્ષે દરિયાઇ વિસ્‍તારોમાં પણ તળણાહારી પ્રાણીઓની સંખ્‍યા કેટલી છે એની પણ ગણતરી કરવામાં આવનાર છે.

સાસણનાં ડીએફઓ ડો. મોહન રામે જણાવ્‍યું છેકે, એશિયાટીક લાયન લેન્‍ડસ્‍કેપમાં જુદા જુદા વનવિસ્‍તારોમાં નક્કી કરેલા રૂટો પર વાહન અને ચાલીને ગણતરી કરાશે. આ કામગીરી ૫ તબક્કે કરાશે. જેમાં સવારે ૬ થી બપોરે ૩ વાગ્‍યા સુધી ફિલ્‍ડ વર્ક અને બાદમાં ડેટાનું સંકલન કરાશે. પ્રથમ તબક્કામાં ગીર વન્‍યજીવ અભયારણ્‍ય અને રાષ્‍ટ્રીય ઉદ્યાન, પાણીયા વન્‍યજીવ અભયારણ્‍ય, મિતીયાળા વન્‍યજીવ અભયારણ્‍યનો સમાવેશ થશે.

બીજા તબક્કામાં ગીરના રક્ષિત વિસ્‍તારોની આસપાસની અનામત અને બીન અનામત વીડીઓનો સમાવેશ કરાયો છે.

ત્રીજા તબક્કામાં ગીરનાર અભયારણ્‍ય એન જૂનાગઢ વનવિભાગમાં જૂનાગઢની અનામત અને બિન અનામત વીડીનો સમાવશે થાય છે. ચોથા તબક્કામાં ભાવનગરની અનામત અને બિન અનામત વીડીનો સમાવેશ કરાયો છે.

જ્‍યારે પાંચમા તબક્કામાં દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ગણતરી કરાશે.

આ સમગ્ર કાર્યક્રમ તા. ૮ મેથી શરૂ થઇ ચૂકયો છે. અને અગામી ૨૦ મે સુધી ચાલશે. આ કામગીરીમાં કુલ ૯ પ્રજાતિના વન્‍ય પ્રાણીઓ જેવાંકે, ચિત્તલ, સાબર, નીલગાય, ચૌશિંગા, ચીંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, વાંદરા અને મોરની ગણતરી કરાશે

(1:04 pm IST)