Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

માળીયામિંયાણાના વાઘરવા ગામે તસ્‍કરોનું

કોમ્‍બીંગ : ૩ મકાનમાંથી ૩.૭૦ લાખની મતાની ચોરી મનહરભાઇના ઘરમાંથી ખેતીની ઉપજ અને ટ્રક ભાડાનાં ર.૩૪ લાખ ચોરી ગયા : અન્‍ય બે મકાનમાંથી દાગીનાની ચોરી

(પ્રવિણ દ્વારા) મોરબી, તા. ૧૦ : માળિયા મિંયાણા તાલુકાના વાધરવા ગામમાં ગત રાત્રીના તસ્‍કર ટોળકી ત્રાટકી હતી જેને ગામના ત્રણ ત્રણ ઘરને નિશાન બનાવી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂ ૩.૭૦ લાખની કિમતનો મુદામાલ ચોરી કરી ગયા હતા.

માળિયાના વાધરવા ગામની દરિયાલાલ શેરીમાં રહેતા મનહરભાઈ ભારમલભાઈ બોરીચા (ઉ.વ.૪૪) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના ફરિયાદી મનહરભાઈ, તેના બા જડીબેન, પત્‍ની અને બાળકો રાત્રીના સુઈ ગયા હોય દરમિયાન અજાણ્‍યા તસ્‍કરોએ ઘરમાં પ્રવેશ કરીને ઓરડાના લોખંડ કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ચોરી કરી ગયા હતા જેમાં તસ્‍કરો ઘરના કબાટમાં રાખેલ રોકડ રૂ ૨,૩૪,૦૦૦ રકમ ચોરી કરી ગયા હતા તેમજ ચાંદીનો કંદોરો, સાંકળા, તેમજ સોનાની નાની કડી, ચોરી કરી ગયા હતા તેમજ બાજુમાં રહેતા દિગ્‍વિજયસિંહ બળવંતસિંહ જાડેજા અને તેના ભાઈ નીતીરાજસિંહ બળવંતસિંહ જાડેજાના મકાનમાં પણ ચોરી થયાનું જાણવા મળ્‍યું હતું

જેમાં દિગ્‍વિજયસિંહના મકાનમાં કબાટમાં લોકર તોડી તસ્‍કરો સોનાનો ચેન, સોનાની બુટી, સોનાનો ટીકો, સોનાની વીંટી સહીત પાંચ ટોળા સોનું કીમત રૂ ૭૫,૦૦૦ અને ચાંદીના સાંકળા, ચાંદીનો જુદો ચોરી ગયા હતા અને તેના ભાઈ નીતીરાજસિંહના મકાનમાં કબાટમાંથી સોનાનો હારનો સેટ, સોનાનો ઓમ મળીને ૩ તોલા સોનું કીમત રૂ ૪૫,૦૦૦ ની ચોરી કરી ગયા હતા આમ અજાણ્‍યા તસ્‍કરોએ ફરિયાદીના મકાનને નિશાન બનાવી ૨,૩૪,૦૦૦ રોકડા, સોનાના દાગીના ૯૦૦૦ અને ચાંદીના દાગીના કીંમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૨.૪૮ લાખ તેમજ દિગ્‍વિજયસિંહ અને નીતિરાજસિંહના મકાનમાંથી સોનાના દાગીના કીંમત રૂ ૧.૨૦ લાખ અને ચાંદીના દાગીના કીમત રૂ ૨,૦૦૦ મળીને કુલ રૂ ૩,૭૦,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્‍યું છે માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ બી ડી જાડેજા ચલાવી રહ્યા છે

પરિવાર ઘરમાં સુતો રહ્યો અને તસ્‍કરો ખેતીની ઉપજની રકમ ઉઠાવી ગયા

ફરિયાદી મનહરભાઈએ જણાવ્‍યું છે કે રાત્રીના જમીને તેઓ ટીવી જોઇને પોતાના ઓરડામાં સુઈ ગયા હતા અને સવારે પાંચ વાગ્‍યે માતાએ જગાડીને ઘરમાં ચોરી થયાનું જણાવ્‍યું હતું જેમાં તસ્‍કરોએ ફરિયાદીના ઘરમાંથી ખેતીની ઉપજના અને ટ્રક ભાડાના આવેલ રોકડ રકમ રૂ ૨.૩૪ લાખ ચોરી ગયા હતા

(1:05 pm IST)