Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

માછીમારોને હાલમાં યોગ કરતા સરકારના સહયોગની જરૂર

પોરબંદરમાં પધારેલા પરસોતમભાઇ રૂપાલાને માછીમારોના ડ્રેજીંગ સમુદ્ર પ્રદુષણ બંદર ફેઝ-ર જેવા અધ્‍ધરતાલ પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસની ટકોર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: કેન્‍દ્રના મત્‍સ્‍ય ઉદ્યોગ મંત્રી પુરૂષોતમ રૂપાલા પોરબંદર આવ્‍યા ત્‍યારે માછીમારોને યોગ અને ધ્‍યાન ઉપર વધુ ભાર મુકવા અપીલ કરી ત્‍યારે કોંગ્રેસના માછીમાર આગેવાનોએ આક્રોશ ઠાલવતા જણાવ્‍યું હતું કે માછીમારોને હાલમાં યોગ કરતા પણ વધુ સરકારના સહયોગની જરૂર છે.

ભારત સરકારના મત્‍સ્‍ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મંત્રી પુરૂષોતમ રૂપાલા પોરબંદરની મુલાકાતે આવ્‍યા અને કોસ્‍ટગાર્ડની જેટી ખાતે માછીમારોને યોગ કરવાની વધુ જરૂરછે તેવી સલાહ આપી ત્‍યારે તેમણે માછીમારોને પુરતો સહયોગ આપવો જોઇએ. તેમની સમસ્‍યાઓનું નિરાકરણ કરવુ જોઇએ તેમ કોંગ્રસના સીનીયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પુર્વ સેક્રેટરી રામદેવભાઇ મોઢવાડીયા, મનીષભાઇ લોઢારી, વિરેન્‍દ્રભાઇ શિયાળ, જીવનભાઇ જુંગી શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ હેરી કોટીયા, લાલજીભાઇ ગોસીયા અને રવિભાઇ મોદી સહીત કોંગ્રેસના માછીમાર આગેવાનોએ કેન્‍દ્રીય મંત્રીના યોગ પ્રેમ અંગે ટકોર કરીને જણાવ્‍યું છે કે તમારા દ્વારા અગાઉ માછીમારોના વિસ્‍તારમાં દરીયાઇ યાત્રા યોજાઇ હતી અને હવે માછીમારો માટે યોગ કરાવવા આવ્‍યા છો પરંતુ પોરબંદર જ નહી ગુજરાતભરના માછીમારોને હેરાન પરેશાન કરતી અનેક એવી સમસ્‍યાઓ છે કે જેનું નિરાકરણ કરવામાં તમારી રાજય અને કેન્‍દ્રની ભાજપ સરકાર ઉણી ઉતરી છે તેથી આ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે રજુઆત છે.

 કોંગ્રેસના સિનીયર આગેવાન અને માછીમાર આગેવાનોએ કેન્‍દ્ર સરકારની નબળી નીતીની આકરા શબ્‍દોમાં ઝાટકણી કાઢીને જણાવ્‍યું છે કે એક બાજુ કોરીનાને લીધે માછીમારી ઉદ્યોગમાં ભારે મંદીનું મોજુ જોવા મળી રહયું છે તો બીજી બાજુ દરીયાઇ પટ્ટી ઉપર આડેધડ ઉદ્યોગો ખડકાઇ ગયા હોવાથી દરીયાઇ પ્રદુષણમાં વધારો થતા માછીમારોના ટ્રીપના દિવસો લંબાઇ ગયા છે તેમ છતા પુરતા પ્રમાણમાં માછલા મળતા નથી. ત્રીજી બાજુ પાકિસ્‍તાનના નાપાક ચાંચીયાઓની હરકત વધી રહી છે અને આંતરરાષ્‍ટ્રીય દરીયાઇ જળ સીમા નજીકથી મોટી માત્રામાં બોટો અને માછીમારોના અપહરણ કરવામાં આવી રહયા છે. પાકિસ્‍તાનના કબજામાં ૧૨૦૦ થી વધુ ફીશીંગ બોટો ભંગાર હાલતમાં ફેરવાઇ રહી છે તેની કિંમત અબજો રૂપીયામાં ગણવામાં આવે છે. દેશની અમુલ્‍ય સંપતી એવી આ બોટો મુકત નહી થતા માછીમારી ઉદ્યોગને ખુબ મોટુ નુકશાન થઇ રહયું છે.

મહત્‍વની બાબત એ છે કે પાકિસ્‍તાનના કબ્‍જામાં રહેલી ૧૨૦૦ ફીશીંગ બોટોમાંથી અંદાજે ૮૦૦ જેટલી બોટ અમારા પોરબંદરના બોટ માલીકોની છે તેમ જણાવીને વધુમાં ઉમેરવામાં આવ્‍યું છે કે વાંક ગુન્‍હા વગર પાકિસ્‍તાની જેલમાં ૬૦૦ થી વધુ માછીમારો સબળી રહયા છે તેઓને છોડાવવા માટે પણ મોદી સરકાર ગંભીર બની નથી તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ છે.

(1:19 pm IST)