Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કામ ધંધાના અભાવે વ્‍યથિત અવસ્‍થામાં ભરાણાના યુવાનનો આપઘાત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા,તા. ૧૦:  તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રદિપસિંહ સરદારસંગ જાડેજા  નામના ૩૫ વર્ષના યુવાન પાસે હાલ કોઈ કામ ધંધો ન હોવાથી તથા તેમના માતા બીમાર રહેતા હોવાથી આ બાબતે તેમને મનમાં લાગી આવતા નાસીપાસ થયેલી હાલતમાં શનિવારે તેમણે પોતાના ઘરની ઓસરીમાં ગળાફાંસોને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્‍યું છે.અંગે મૃતકના ભાઈ નવસંગ સરદારસંગ જાડેજાએ વાડીનાર મરીન પોલીસને જાણ કરી છે.

આરંભડાના યુવાને

ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

આરંભડા ગામે રહેતા સાજીદ કાસમભાઈ સંઘાર નામના ૨૨ વર્ષના એ રહેણાંક મકાનમાં છતના પિઢીયામાં આવેલા હુકમાં દોરી વડે ગળાફાસો ખાઈ લેતા તેનો નિષ્‍પ્રાણ દેહ સાંપડ્‍યો હતો. મૃતકના પિતા કાસમભાઈ હારુનભાઈ સંઘારએ મીઠાપુર પોલીસને જાણ કરી છે.

લાંબાના યુવાને અકળ

કારણોસર આપઘાત કર્યો

લાંબા ગામે રહેતા સુરેશભાઈ સોમાભાઈ હાથીયા નામના ૩૦ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્‍યો છે. મૃતકના પિતા સોમાભાઈ જેઠાભાઈ હાથીયાએ કલ્‍યાણપુર પોલીસને કરતા તપાસ હાથ ધરી છે.

ભાણવડના લેન્‍ડ ગ્રેબિંગનો

કેસ પાછો ખેંચી લેવા ધમકી

રોજીવાડા ગામે રહેતા ચેતનભાઈ અરશીભાઈ સોલંકી નામના ૪૦ વર્ષીય સગર યુવાન દ્વારા લેન્‍ડ ગ્રેબિંગ એક્‍ટ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આના અનુસંધાને ચાલી રહેલી કોર્ટની કાર્યવાહી સંદર્ભે એક આરોપીના ભાઈ એવા જામ રોજીવાડા ગામે રહેતા જેરામ કેસા પાથર નામના શખ્‍સ દ્વારા ફરિયાદી ચેતનભાઈ સોલંકીને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તેમજ ચેતનભાઈ સાથે અન્‍ય સાહેદોને પણ કોર્ટમાં કંઈ ન બોલવા બાબતે બિભત્‍સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ પ્રકરણમાં પોલીસે આઈ.પી.સી. કલમ ૫૦૪ તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી, આરોપી જેરામ કેસા પાથરની અટકાયત કરી હતી.

બેહ ગામનો શખ્‍સ દારૂના

જથ્‍થા સાથે ઝડપાયો

બેહ ગામે રહેતા માયા ભોજા માયાણી નામના ૨૪ વર્ષિય શખ્‍સને પોલીસે વિદેશી દારૂની પાંચ બોટલ તથા ૧૫ લિટર દેશી દારૂના જથ્‍થા સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ભાડથર ગામના રામદે ભાયા રૂડાચ નામના શખ્‍સનું પણ નામ ખુલતા ખંભાળિયા પોલિસે પ્રોહી. એક્‍ટ મુજબ ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરો છે.

દ્વારકામાં ક્રિકેટ મેચ પર જુગાર

દ્વારકાના જલારામ મંદિર વિસ્‍તારમાં આવેલી એક દુકાન પાસેથી પોલીસે ગતરાત્રે આઈ.પી.એલ.ની લાઈવ ક્રિકેટ મેચ પર ક્રિકેટનો સટ્ટો ખેલતા દિલીપ જેન્‍તીલાલ બથીયા અને ચંદ્રેશ શુક્‍લભા માણેક નામના બે શખ્‍સોને ક્રિકેટના સટ્ટાના સાહિત્‍ય સહીત કુલ રૂપિયા ૧૨,૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લઈ, કાર્યવાહી કરી હતી.

અન્‍ય એક દરોડામાં દ્વારકા પોલીસે ગતરાત્રે મશરૂ હોટલ સામે રોડ પર આઈ.પી.એલ.ની લાઈવ ક્રિકેટ મેચ પર રનફેર નો સટ્ટો રમી રહેલા હનીફ ઈબ્રાહીમ કાઠ, ભાવિક રાજેશ બારાઈ, લાખા સીદા ગઢવી અને વિજય ખીમજી બથીયા નામના ચાર શખ્‍સોને ઝડપી લઈ, રૂ. ૧૧,૫૫૦/- નો મુદામાલ કબજે કર્યો હતો.

(1:50 pm IST)