Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

લોધીકાના રાવકી અને માખાવડમાં પણ પહેલા ચડ્ડી - બનિયાનધારી ગેંગ ત્રાટકેલી : એકસાથે ૩૦ કારખાનાઓમાં ચોરી કરી'તી

આ વિસ્‍તારમાં આ ગેંગ અનેક વખત આતંક મચાવી ચૂકયા છે : ચાકુ - ધોકા સહિતના હથિયારો સાથે આ ગેંગ ત્રાટકે છે

રાજકોટ : લોધીકા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ચડ્ડી - બનિયાનધારી ગેંગનો આતંક છવાયો છે. ચાકુ - ધોકા સહિતના હથિયારો સાથે આ ગેંગ ચોરી કરવા નીકળી પડતી હોવાનું આસપાસના ગ્રામજનોમાં ચર્ચાય છે. તેમજ આ ગેંગના હથિયારો સાથેના સીસીટીવી ફૂટેજ પણ જે તે સમયે  ગ્રામવાસીઓ દ્વારા રજૂ કરવામાં આવ્‍યા હોવાનું જણાવાયુ છે.

આશરે ત્રણેક મહિના પહેલા લોધીકા તાલુકાના રાવકી અને માખાવડ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ત્રીસેક કારખાનાઓમાં ચડ્ડી - બનિયાનધારી ગેંગ હાથફેરો કરી રહ્યા હતા. અનેક કારખાનાઓ - ઓફીસમાં તોડફોડ કરી રોકડ રકમ સહિત લૂંટી ગયા હતા. અનેક કારખાનાઓમાં દરવાજા, કોમ્‍પ્‍યુટર અને મોબાઈલ પણ તોડી નાખ્‍યા હતા.

આ ચડ્ડી - બનિયાનધારી ગેંગ થોડા થોડા સમયે આવા છમકલા કરતા જ રહે છે. તાજેતરમાં જ સીસીટીવીમાં ફૂટેજમાં ચારેક વ્‍યકિત હથિયાર સાથે જોવા મળ્‍યા હતા. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આવા લોકો નિર્ભયતાથી ચોરી કરે છે અને હથિયારો સાથે નીકળી પડે છે તેવુ સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળી રહ્યાનું રાવકી અને માખાવડ તેમજ આસપાસના ગ્રામજનોમાં ચર્ચાઓ થઈ રહી છે.

(4:04 pm IST)