Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સુરેન્દ્રનગર જિલ્લામાં જળસંકટ ઘેરું બન્યું :19 ગામો બાદ વધુ 10 ગામોના કૂવાઓમાં પણ પાણી ગાયબ

જિલ્લામાં હાલ ટેન્કર રાજ થકી 19 ગામોની 42,479 વસ્તીને પીવાના 135 ટેન્કરના ફેરા થકી પાણી :31 દિવસના ગાળામાં વધુ 10 ગામોમાં કૂવા અને તળાવના પાણી ખૂટતા વૈકલ્પિક સ્રોતના અભાવે ટેન્કરની માગ ઊઠી

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ટેન્કર રાજ થકી 19 ગામોની 42,479 વસ્તીને પીવાના 135 ટેન્કરના ફેરા થકી પાણી પહોંચાડાઇ રહ્યુ છે. ત્યારે 31 દિવસના ગાળામાં વધુ 10 ગામોમાં કૂવા અને તળાવના પાણી ખૂટતા વૈકલ્પિક સ્રોતના અભાવે ટેન્કરની માગ ઊઠી છે. આથી જળ સમિતિ બેઠકમાં વધુ ટેન્કરોને પણ બહાલી આપવામાં અવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઢાંકી પમ્પિંગ સ્ટેશન નર્મદા કેનાલ આવવાથી સૌરાષ્ટ્રનું પાણિયારું બન્યાનો અને સૌથી વધુ ઝાલાવાડને નર્મદાનો લાભ મળ્યાના દાવાઓ કરાય છે. જિલ્લામાં હજુ પણ અમુક ગામોમાં પાણીની સમસ્યા હોવાથી ટેન્કર ચલાવવાનો વારો આવે છે. અગાઉ પાણી સમિતિની બેઠક મળી હતી. 19 ગામોમાં પાણી માટે 135 ટેન્કરના ફેરાની જરૂરિયાત હોવાથી પાણી પહોંચાડાઇ રહ્યા છે.

ત્યારે આ બેઠકના 31 દિવસના ગાળામાં જ બીજા 10 ગામોમાંથી પીવાના પાણીના સ્રોતો જેવા કૂવા, તળાવોના જળ ખૂટતા અને વૈકલ્પિક પાણીના સ્રોતના અભાવે લોકોએ ટેન્કરની માગ કરી હતી. આથી વધુ 10 ગામોના 28,049 લોકોની વસતીને પીવાનું પાણીનો સ્રોત હવે માત્ર ટેન્કરનો જ સહારો બચ્યો છે. ત્યારે જિલ્લાના 10 ગામોમાં પાણી પૂરું પાડવા માટે ૫૩ ટેન્કરોના ફેરાને મંજૂરી અપાઇ છે. આમ 28,049 લોકોની વસતીને પાણી પૂરું પડાશે.

આ બેઠકમાં પાણી સમિતિ સમક્ષ નવા બોર બનાવવા વીજ કનેક્શન માટે માણગી આવતા વહેલી તકે તપાસ કરાવી ઝડપી કામ કરવા સૂચન કરાયા હતા. ઉનાળામાં પાણી પુરવઠાની સેવાને અસર ન પહોંચે માટે પાણી પુરવઠા બોર્ડના અધિકારી, કર્મીઓને ચૂંટણી સિવાયની અન્ય કોઇ કામગીરી ન આપવા સૂચન કરાયા હતા. ખજેલી, ગોમટા ચુડા તાલુકાના વિસ્તારોની માઇનોર કેનાલના કામો વહેલી તકે પૂર્ણ કરવા કેનાલ લીકેજ બાનાવ નિવારવા મરામત નિભાવણી સમયસર કરાવ તાકીદ કરાઇ હતી.

ધોળીધજા ડેમમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણીની લાઇનમાં ગેરકાયદે કનેક્શનો લેવાય છે. આથી સાયલા, ચોટીલા, થાન તાલુકાના ગામોમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું નથી પડતું. આથી ગેરકાયદે કનેક્શન દૂરકરવા જિલ્લા પોલીસ, પાણી પુરવઠા વિભાગ,રેવન્યુ પંચાયત વિભાગ સાથે કાર્યવાહી કરવા જણાવાયું હતું. જ્યારે જિલ્લાની કેનાલોમાંથી પાણી ચોરી અટકાવવા પેટ્રોલિંગ કરવા આયોજન કરવા સૂચન કરાયા હતા.

થાન, વઢવાણ લખતરના આ ગામોમાં પાણીની સમસ્યા થાનગઢના મનડાસર, વીજળીયા, મોરથળા, ઉંડવી, વર્માધાર ગામે પીવાનું પાણી ન મળવા અંગે પદાધિકારીઓને રજૂઆત થતા સ્થળ તપાસ કરી સમિતિ સમક્ષ રજૂ કરવા જણાવાયું હતું. વઢવાણના ખોડુ, વેળાવદર અને રૂપાવટી ગામે જુથ યોજનાનું પાણી અનિયમિત મળે છે. લખતરના વણા, સદાદ, મોઢવણા ગામે પણ જૂથ યોજનાનું પાણી અનિયમિત ઓછું મળતું હોવાથી નિયમીત પૂરતું પાણી માટે પાણી પુરવઠા વિભાગને તાકીદ કરાઇ હતી.

(9:34 pm IST)