Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

આટકોટમાં નવનિર્મિત હોસ્‍પિટલમાં ૭ ઓપરેશન થિયેટરની સુવિધા

શ્રી પટેલ સેવા સમાજ આટકોટ સંચાલિત ર૦૦ બેડની અધ્‍યાધુનિક મલ્‍ટી સ્‍પેશ્‍યલ હોસ્‍પિટલનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ર૯મીએ લોકાર્પણઃ ડો. ભરત બોઘરા અને ટ્રેસ્‍ટીઓની મહેનત રંગ લાવી : હવે લોકોને ડાયાલીસીસ માટે રાજકોટ સુધી લાંબુ નહી થવુ પડેઃ ટૂંક સમયમાં એન્‍જીયોગ્રાફી અને એન્‍જીયોપ્‍લાસ્‍ટની સુવિધા પણ મળશે : ૧૪મીએ દાતાઓનું સન્‍માન અને કિર્તીદાન ગઢવી, ધીરૂભાઇ સરવૈયાનો લોકડાયરો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૦ :.. આટકોટ ખાતે શ્રી પટેલ સેવા સમાજ આટકોટ દ્વારા સંચાલીત ર૦૦ બેડની મલ્‍ટિ સ્‍પેશ્‍યલ હોસ્‍પિટલનું આગામી તા. ર૯ ના રોજ વડાણ્‍રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે લોકાર્પણ થવાનું છે ત્‍યારે આ હોસ્‍પિટલની સુવિધા વિશે જાણીયે.
રાજકોટથી પ૦ કિ. મી. દુર ભાવનગર હાઇવે ઉપર આટકોટ ખાતે આવેલ આ હોસ્‍પિટલમાં કુલ ર૦૦ બેડની અતિ - આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે વિશાળ જગ્‍યામાં હોસ્‍પિટલને લગતા શ્રેષ્‍ઠમાં શ્રેષ્‍ઠ અને આધુનિક સાધનોનો હોસ્‍પિટલને શણગાર કરવામાં આવ્‍યો છે.
રાજય સરકાર અને કેન્‍દ્ર સરકારની તમામ ગાઇડ લાઇન અને નિતી નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવામાં આવ્‍યુ છે. જેથી કરી આગામી દિવસોમાં સરકારની સહાય લેવામાં કોઇપણ પ્રકારની અડચણ ઉભી ન થાય.
જસદણ-વિંછીયા પંથક તેમજ આજુબાજુનાં તાલુકાનો વિસ્‍તાર આમેય વર્ષોથી તમામ ક્ષેત્રે પછાત પણુ ભોગવતો આવ્‍યો છે જો કે ડો. ભરતભાઇ બોઘરા અને કુંવરજીભાઇ બાવળીયાના અથાક પ્રયાસોને લીધે હાલ વિકાસનાં અનેક કાર્યો થયા છે અને પ્રગતિમાં છે પરંતુ સારવાર માટે પુરતી સુવિધા ન હતી તે પણ આગામી દિવસોમાં પુર્ણ થઇ જશે.
હોસ્‍પિટલની સુવિધા વિશે માહિતી આપતા ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્‍યું હતું કે આ હોસ્‍પિટલમાં હાલના સમયને ધ્‍યાને રાખી વિશ્વના શ્રેષ્‍ઠ અને સારવાર માટે અતિ આધુનિક ઉપકરણો અને સાધન  સામગ્રીઓના આ હોસ્‍પિટલને વાઘા પહેરાવવામાં આવ્‍યા છે.
ર૦૦ બેડની મલ્‍ટિ સ્‍પેશ્‍યલ હોસ્‍પિટલમાં સૌ પ્રથમ ઇમરજન્‍સી વિભાગ ર૪ કલાક ક્રીટીકલ સ્‍ટાફ સાથે ખુલ્લો રહેશે.
ચાર અલગ-અલગ પ્રકારનાં આઇ. સી. યુ. વિભાગ રાખવામાં આવ્‍યા છે જેમાં નવજાત બાળકોથી લઇ સર્જીકલ આઇ. સી. યુ. વિભાગમાં શ્રેષ્‍ઠ સારવાર ઉપલબ્‍ધ થશે.
આ ઉપરાંત જનરલ વોર્ડમાં પણ પુરૂષો, મહિલાઓ અને બાળકો માટે અલગ - અલગ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.
નહી નફો નહી નુકશાનીના ધોરણે આ હોસ્‍પિટલમાં ગાયનેક, ઓર્થોપેડીક, સર્જરી, ટ્રોમા અને ડાયાલીસીસ વિભાગનો સમાવેશ  થશે ઉપરાંત થોડા સમય બાદ એન્‍જીયોગ્રાફી થી લઇ એન્‍જીયોપ્‍લાસ્‍ટ વિભાગ પણ કાર્યરત થઇ જશે જેના માટેના આધુનિક મશીનો તેમજ જરૂરી સાધન સામગ્રીનો ઓર્ડર પણ અપાઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે જસદણ-વિંછીયા પંથકમાં હાલ અંદાજે પ૦૦ જેટલા દર્દીઓને ડાયાલીસીસ કરાવવા માટે રાજકોટ સુધી હેરાન થવુ પડે  છે ત્‍યારે હોસ્‍પિટલમાં ડાયાલીસીસના આઠ મશીનો અહી મુકવામાં આવ્‍યા છે એ ખરેખર આ પંથકમાં આશિર્વાદરૂપ ગણાય.
હોસ્‍પિટલમાં કુલ સાત ઓપરેશન થિયેટરની અતિ આધુનિક સાધનો દ્વારા અહીં વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.
એ જ રીતે લેબોરેટરી વિભાગ પણ ર૪ કલાક સેવા આપશે તેમજ ઇન્‍ડોર તેમજ બહારથી દવા લેવા આવનાર દર્દીઓ માટે ર૪ કલાક મેડીકલ સ્‍ટોર કાર્યરત રહેશે.
ર૪ કલાક ઇમરજન્‍સી સારવાર તેમજ ઓ. પી. ડી. માટે શ્રેષ્‍ઠ ડોકટરોની ટીમ જોડાઇ ગઇ છે. જેમાં ઓ. પી. ડી. માટે ર૦ ડોકટરોની અલગ ચેમ્‍બર બનાવવામાં આવી છે. જેમાંસ્ત્રી રોગ નિષ્‍ણાંત, ઓર્થોપેડીક, જનરલ સર્જન, દાંતના ડોકટર, બાળકોના ડોકટરો, એમ. ડી. ફીજીશ્‍યન, કીડની, હૃદય સહિતનાં ડોકટરોનેર નિમણુંક પણ અપાઇ ગઇ છે.
આ ઉપરાંત રાજકોટનાં જુદા વિભાગના નામાંકિત ડોકટરો પણ અહી સેવા આપશે.
અંદાજે બે લાખ ચોરસ ફુટના વિશાળ બાંધકામ સાથે અને વિશાળ પાર્કિંગની સુવિધા સાથેની હોસ્‍પિટલમાં વિશાળ પાર્કીંગની હોસ્‍પિટલમાં વિશાળ કેન્‍ટીન પણ બનાવવામાં આવી છે જેમાં દાખલ દર્ર્દીને હોસ્‍પિટલ દ્વારા જ દર્દીને અનુકુળ જમવાનું અને નાસ્‍તો આપવામાં આવશે તેમજ દર્દીનાં સગા-વ્‍હાલાઓ માટે પણ નાસ્‍તો તેમજ જમવા માટે સ્‍વ. ખર્ચે શુધ્‍ધ અને શાત્‍વિક ખોરાક આપવામાં આવશે.
દાખલ દર્દીઓના સગા-વ્‍હાલાઓ માટે પણ રહેવાની યોગ્‍ય વ્‍યવસ્‍થા સંસ્‍થા દ્વારા ઉભી કરવામાં આવી છે.
૧૭પ થી પણ વધારે સ્‍ટાફ આ હોસ્‍પિટલમાં જુદા જુદા વિભાગોમાં કામ કરશે. જેમાંથી મોટાભાગનાં સ્‍ટાફની નિમણુંક પણ કરી દેવામાં આવી છે.
ડો. ભરતભાઇ બોઘરાના જણાવ્‍યા મુજબ આ હોસ્‍પિટલમાં રોજનો અંદાજે ખર્ચ અઢી લાખથી વધારે થશે જે માટે તેમણે તીથિ અને તારીખ મુજબ દાતાઓનો સહયોગ પ્રાપ્ત કરી રહ્યા છે જેમણે પણ તીથી અને તારીખ મુજબ એક દિવસનું યોગદાન આપવુ હોય તેમણે હોસ્‍પિટલનો સંપર્ક કરવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ હોસ્‍પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના  હસ્‍તે આગામી તા. ર૮ ના રોજ રાખવામાં આવ્‍યુ હતું પરંતુ નરેન્‍દ્રભાઇ મોદીને ર૮ તારીખે અગત્‍યનું કામ આવી જતા ર૯ તારીખે લોકાર્પણ થશે તેવુ ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્‍યું છે.
હાલ સ્‍વયંભુ હજારો સ્‍વંયસેવકોની ટીમ અને તમામ સમાજના આગેવાનો દરેક પક્ષના કાર્યકરો અને આગેવાનો પક્ષા-પક્ષી ભૂલી માનવ મંદિરના લોકાર્પણના કાર્યમાં લાગી ગયા છે જેમાં જુદી - જુદી સમિતિઓ પણ બનાવવામાં આવી છે.
ર૯ તારીખે લોકાર્પણ બાદ અંદાજે એક લાખથી વધુ લોકો માટે બપોરે ભોજન પ્રસાદનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્‍યુ છે આ કાર્યક્રમો લાભ લેવા ડો. ભરતભાઇ બોઘરા અને ટ્રસ્‍ટી મંડળે યાદીમાં જણાવ્‍યું છે.

 

૧૪મીએ દાતાઓનું સન્‍માન અને કિર્તીદાન ગઢવી, ધીરૂભાઇ સરવૈયાનો લોકડાયરો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૦ :.. કે. ડી. પરવાડીયા હોસ્‍પિટલના આગામી તા. ર૯ ના રોજ લોકાર્પણ પહેલા આગામી તા. ૧૪ ના રોજ રાત્રે દાતાઓનો સન્‍માન અને લોકડાયરાનું ભવ્‍ય આયોજન પણ કરવામાં આવ્‍યું છે.

આટકોટ-રાજકોટ હાઇવે ઉપર હોસ્‍પિટલની સામેના ગ્રાઉન્‍ડમાં ૧૪ તારીખે રાત્રે ૮ વાગ્‍યે હોસ્‍પિટલમાં દાનની સરવાણી વહેવડાવનાર દાતાશ્રીઓને સન્નમાનિત કરવા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે.

સન્‍નમાનનાં કાર્યક્રમ બાદ રાત્રે ૯ કલાકે સુપ્રસિધ્‍ધ કલાકાર કિર્તીદાન ગઢવી અને હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા સહિતના ડાયરાની રમઝટ બોલાવશે આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા ડો. ભરતભાઇ બોઘરા અને ટ્રસ્‍ટી મંડળે યાદીમાં જણાવ્‍યું છે.

(10:48 am IST)