Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ટંકારા પાસે ધોળા દિ'એ ફાયનાન્‍સ કર્મચારીને પછાડી ૧.૪૧ લાખના રોકડ સાથેના થેલાની લૂંટ

માલધારી લખેલા બાઇક ઉપર આવેલા બે શખ્‍સોની શોધખોળ : કર્મચારી સંદિપભાઇને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૧: ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપરથી અદેપર ગામ જવાના કાચા રસ્‍તા ઉપર ગઇકાલે બપોરે  ફાયનાન્‍સ કંપનીમાં કામ કરતા યુવાનને એક્‍સેસ, એક્‍ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્‍સોએ પછાડી દઈ રૂપિયા ૧.૪૧ લાખની લૂંટ ચલાવી નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ  બપોરે એકાદ વાગ્‍યાના સુમારે ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપરથી અદેપર ગામ જવાના કાચા રસ્‍તા ઉપર સંદીપ હીરાભાઈ ડાભી નામના ફાયનાન્‍સ કંપનીમાં કામ કરતા યુવાનને એક્‍સેસ કે એક્‍ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્‍સોએ પછાડી દઈ સંદીપભાઈ પાસે રહેલા થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા સંદિપભાઇ પડી જતા ઇજા પહોંચી હતી.

લૂંટનો ભોગ બનેલા યુવાને ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરતા ટંકારા પોલીસે જિલ્લા કંટ્રોલને જાણ કરી નાકાબંધી કરાવી હતી. વધુમાં ૧.૪૧ લાખની ધોળા દિવસે લૂંટના આ બનાવમાં એક્‍સેસ કે એક્‍ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્‍સો પૈકી એક શખ્‍સે કાળા કલરનો અને એક શખ્‍સે ખાખી કલરનો શર્ટ પહેર્યો હોવાનું તેમજ મોટર સાયકલ પાછળ લાલ અક્ષરે માલધારી લખેલ હોવાનું ભોગ બનનારે પોલીસ સમક્ષ જણાવ્‍યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્‍હો નોંધી બન્ને શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

(12:19 pm IST)