Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કચ્છમાં ચોથે દિ' ખાતું ખુલ્યું: ૫ જણાએ નોંધાવી ઉમેદવારી

કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોએ ભર્યા ફોર્મ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧

ઉમેદવારી નોંધાવવાના ચોથે દિ' કચ્છમાં ખાતું ખુલ્યું છે. ગઇકાલે સાંજ સુધી ૪ વિધાનસભા બેઠકો ઉપર ડમી સહિત ૫ જણાએ દાવેદારી નોંધાવી છે. જેમાં ગાંધીધામના કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો સાથે સરઘસ સ્વરૂપે જઈ ચુંટણી અધિકારી ડો. મેહુલ બરાસરા પાસે પોતાની દાવેદારી નોંધાવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ તાલુકા પ્રમુખ હાજી ગનીભાઈ માંજોઠી, શહેર પ્રમુખ સંજય ગાંધી, વિરોધ પક્ષના નેતા સમીપ જોશી, કોંગ્રેસના આગેવાનો ચેતન જોશી, નારાણ સોંદરા સહિત સૌ સાથે રહ્યા હતા. જ્યારે માંડવી બેઠકના આપ પાર્ટીના ઉમેદવાર કૈલાસદાન ગઢવીએ આપ પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો સાથે મુન્દ્રામાં રેલી યોજીને ત્યાં ચુંટણી અધિકારી ચેતન મિસળ સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી. તેમની સાથે આગેવાનો વિજય ગઢવી, નારાણભાઈ ફ્ફલ, ગજુભા જાડેજા, મજીદ સમા, હરેશ્વર મારાજ, કુલદીપસિંહ જાડેજા સહિત અન્યો જોડાયા હતા. જ્યારે ભુજ બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર દક્ષાબેન હરપાલસિંઘ બારોટ તેમ જ અંજાર બેઠક ઉપરથી ગુજરાત સર્વ સમાજ પાર્ટીના ઉમેદવાર ગનીભાઇ આદમ કક્કલે ઉમેદવારી નોંધાવી હતી

(10:09 am IST)