Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કાકા-બાપાના જમીન માટેના ઝઘડામાં ૨ વર્ષના નિર્દોષ સચીનનો પણ જીવ ગયોઃ ડબલ મર્ડર

સરધારની સીમમાં મધ્યપ્રદેશના યુવાન વીરરસીંગની હત્યા બાદ તેના પુત્રએ પણ અમદાવાદ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ બબ્બે હત્યાના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા તજવીજ

રાજકોટ તા. ૧૨: સરધાર ગામની સીમમાં વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના બેહડવા ભવરા ભાભરા ગામનો વતની વીરસીંગ મહોબતભાઇ શીંગાળ (ઉ.વ.૨૭)ને તેના જ બે પિત્રાઇ ભાઇઓએ પથ્થરના ઘા ફટકારી પતાવી દીધો હતો. પથ્થરમારામાં વીરસીંગના પુત્ર સચીન (ઉ.વ.૨)ને પણ ગંભીર ઇજા થઇ હતી. તેણે પણ ગત સાંજે અમદાવાદની હોસ્પિટલમાં દમ તોડી દેતાં બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો છે. હત્યાના બંને આરોપીઓને કોર્ટ હવાલે કરવા તજવીજ થઇ છે. કાકા-બાપાના જમીન માટેના ઝઘડામાં બે વર્ષના નિર્દોષ બાળકનો પણ ભોગ લેવાઇ જતાં મજૂર પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

વીરસીંગ રાજકોટ તેના સાળા પાસેથી કપડા લઇને સરધાર વાડીએ જતો હતો ત્યારે તેની સાથે બે વર્ષનો પુત્ર સચીન પણ હતો. વીરસીંગને આંતરીને તેના કાકાના દિકરાઓ કમલસિંગ ઉર્ફ કમલેશ ગુલાબસિંગ મેથુરભાઇ શિંગાળ (આદિવાસી-ઉ.૩૦-રહે. સરધારા ચિરાગભાઇ પટેલની વાડી, મુળ બેહડવા અલીરાજપુર એમપી) તથા રમલેશ ઉર્ફ રમેશ શંકરભાઇ મેથુરભાઇ શિંગાળ (ઉ.૨૬-રહે. સરધાર ચિરાગભાઇ પટેલની વાડીમાં, મુળ બેહડવા એમપી)એ આંતરી ઝઘડો કરી માથા-મોઢા પર પથ્થર ફટકારી પતાવી દીધો હતો. આ વખતે બાળક સચીનને પણ પથ્થર લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી.

આજીડેમ અને ક્રાઇમ બ્રાંચે હત્યાનો ભેદ ત્વરીત ઉકેલી બંને આરોપીઓને પકડી લઇ પથ્થર પણ કબ્જે કર્યા હતાં. રાજકોટથી અમદાવાદ સારવાર માટે ખસેડાયેલા માસુમ સચીને પણ દમ તોડતાં ઝડપાયેલા બાળકના કાકાઓ ઉપર બેવડી હત્યાનો ગુનો લાગુ પડ્યો હતો. કાકા-બાપાના વતનની જમીન માટેના ઝઘડામાં માસુમ સચીનનો પણ પિતા સાથે ભોગ લેવાઇ ગયો હતો. પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ વાળા, પીએસઆઇ વાઘેલા, જાવેદભાઇ રિઝવી સહિતે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા તજવીજ આદરી છે.

(11:06 am IST)