Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં ઉછાળાથી લોકોમાં ચિંતા

ભાવનગર ૧પર, કચ્છ ૧ર૧, મોરબી પ૭, ગોંડલમાં ૧૭ પોઝીટીવ કેસ નોંધાયાઃ માસ્ક, સેનેટાઇઝ અને સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન જરૂરી

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર કોરોના કેસના ઉછાળાથી લોકોમાં ચિંતા છવાઇ ગઇ છે. દરરોજ પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

ગઇકાલે ભાવનગરમાં ૧પર, કચ્છમાં ૧ર૧, મોરબીમાં પ૭, ગોંડલમાં ૧૭ પોઝીટીવ કેસ નોંધાયા હતાં.

માસ્ક, સેનેટાઇઝ, સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવુ જરૂરી બન્યું છે.

કચ્છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કચ્છમાં નવા ૧૨૧ કેસ સાથે કોરોના સતત પિક પકડી રહ્યો છે. અત્યારે એકિટવ કેસ ૩૬૭ થયા છે. સતત કેસ વધતાં ભુજ અને ગાંધીધામ બન્ને હોટ સ્પોટ બન્યા છે. બીજી તરફ કોરોનાની સાથે તંત્ર દ્વારા બેઠકોની ભરમાર વધી રહી છે. સ્થાનિકે કચ્છમાં પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવ દ્વારા દૈનિક ૫૦૦૦ સેમ્પલ ટેસ્ટ કરવા માટે તંત્રને સૂચના અપાઈ છે. પણ, વાસ્તવિકતા એ છે કે, કચ્છમાં સ્થાનિકે એટલા બધા ટેસ્ટિંગ કરવાની વ્યવસ્થા અને સ્ટાફ બન્ને અપૂરતા છે. અત્યારે પણ આરટીપીસીઆર ટેસ્ટ અનિયમિત માંડ માંડ બે દિવસે મળે છે.

હાલમાં માંડ દૈનિક ૨૦૦૦ આરટીપીસીઆરસેમ્પલ ટેસ્ટ થઈ શકે છે. એવું જ ખાનગી હોસ્પિટલોની બિલિંગ વ્યવસ્થાનું છે. ગત બન્ને લહેરમાં હોસ્પિટલો સાથે તંત્રએ બેઠક યોજી બિલની સૂચનાઓ આપી હોવા છતાંયે આડેધડ રૂપિયા લેવાયા. એવી જ હાલત ઇન્જેકશન અને દવા માટે ભોગવવી પડી હતી. માત્ર બેઠકો નહીં પણ અમલવારી કરવાની તૈયારી તંત્ર દાખવે એ પછી જ મોટી મોટી જાહેરાતો કરે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર માં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.કાલે ભાવનગર શહેરના કોરોના ના કેસ ૧૩૬ અને ગ્રામ્ય વિસ્તારના ૧૬ કુલ ૧૫૨ કેસ આજના નોંધાયા છે. આ સાથે ભાવનગરમાં કોરોનાના એકિટવ દર્દીઓની સંખ્યા વધી ૫૮૬ થવા પામી છે. કાલે  શહેરમાં ૨૭ દર્દીઓ અને ગ્રામ્ય માં ૪ દર્દી સહિત કુલ ૩૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ  મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં અસાધારણ ગતિએ વધારો થઇ રહ્યો છે જેમાં આજે કોરોનાના નવા ૫૭ કેસો નોંધાયા છે તો ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજના નવા કેસોમાં મોરબી જીલ્લામાં મોરબી તાલુકામાં ૪૮ કેસો જેમાં ૧૫ ગ્રામ્ય અને ૩૩ કેસો શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકામાં ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં, હળવદ તાલુકાના ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી, ટંકારાના ગ્રામ્ય પંથકમાં ૦૩ કેસો અને માળિયાના ગ્રામ્ય પંથકમાં ૦૧ કેસ મળીને નવા ૫૭ કેસો નોંધાયા છે તો આજે મોરબી, હળવદ અને ટંકારામાં ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા છે

મોરબી જીલ્લામાં આજે નવા ૫૭ કેસો નોંધાતા એકટીવ કેસનો આંક ૨૪૦ થયો છે અને કોરોના કેસોમાં પ્રતિદિન ૫૦ થી વધુનો વધારો થઇ રહ્યો છે ત્યારે નાગરિકો હવે ગંભીર બને અને સાવચેતી રાખે તે સૌના હિતમાં છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ : ગોંડલ શહેરી વિસ્તાર /ગ્રામ્ય વિસ્તાર ના નામ સ્ટેશન પ્લોટ કેસ-૧, મોટીબજાર કેસ-૧, ભોજરાજપરા કેસ-૩, મહાદેવ વાડી કેસ-૧, વોરા કોટડા રોડ કેસ-૧, ઘોઘાવદર રોડ કેસ-૧, કૈલાસબાગ કેસ-૩, શેમળા કેસ-૧, ગુંદાળા શેરી કેસ-૨, સીટી પોલીસ ગોંડલ કેસ -૧, વેકરી કેસ-૧, રાધાકૃષ્ણનગર કેસ-૧ છે.

(11:25 am IST)