Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સ્વામી વિવેકાનંદજીએ ૧૮૯૧ માં સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનું સ્વપ્ન જોયેલ : ખંડીત મંદીર જોઇ હ્ય્દય દ્રવી ઉઠેલ : પાસેની શીલા ઉપર ધ્યાન ધરેલ

આજે યુવાઓના આદર્શ સ્વામીજીની ૧પ૯ મી જન્મ જયંતિ : સ્વામીજી ધ્યાન ધરતા હોય તે ચિત્ર બનાવડાવીને સોમનાથ સંગ્રહાલયમાં મુકવાની ઇચ્છાઃ જે.ડી.પરમાર-ટ્રસ્ટી, સોમનાથ ટ્રસ્ટ

પ્રભાસપાટણ, તા., ૧૨: આધ્યાત્મીક ગુરૂ અને દાર્શનીક સ્વામી વિવેકાનંદજીની આજે ૧પ૯ મી જન્મ જયંતી છે. યુવાઓના આદર્શ સ્વામીજીએ સોમનાથના ખંડીત મંદીર નજીક એક શીલા ઉપર બેસીને મંદીરના પુનઃનિર્માણનું સ્વપ્ન જોયું હતું.

અમેરીકાના શિકાગોમાં ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના યોજાયેલ વિશ્વ ધર્મ સંમેલનમાં ભાગ લેવા જતા પહેલા તેમણે ભારતનું સંપુર્ણ ભ્રમણ કર્યુ હતું. આ પહેલા તેઓ વર્ષ ૧૮૯૧ના નવેમ્બર-ડિસેમ્બરમાં સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ મંદિરની જીર્ણ-શીર્ણ અવસ્થા અને આક્રમણોના કારણે ખંડીત થયેલ જોઇ તેમનું હ્ય્દય દ્રવી ઉઠેલ.

અરબ સાગરના સમુદ્ર તટે ખંડીત મંદીરની નજીક એક શીલા ઉપર તેમણે ભારતને પુનઃ સુવર્ણ યુગમાં પહોંચવાના ચિંતનથી ચિંતા કરેલ. અનુભુતીના અંતમાં તેમને લાગેલ કે સોમનાથ દેશનું પ્રાણ કેન્દ્ર છે. તેમને આશા હતી કે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થશે.

ધ્યાનના અંતમાં તેમણે પુનઃ નિર્માણની કલ્પના કરેલ અને લખ્યું હતું કે સોમનાથ મંદીર ઉપર અનેક આક્રમણ થવાથી અને મંદીરના વિનાશ બાદ પણ મંદિરનું પુનઃ સર્જન થતુ જ રહયું. જે લોકોની રાષ્ટ્ર ધર્મ ભાવના દર્શાવે છે.

સ્વામીજી સોમનાથથી દક્ષિણ ભારતના મદ્રાસ (ચેન્નઇ) ગયેલ. ત્યાં તેમણે એક પ્રવચનમાં જણાવેલ કે સોમનાથ અને દક્ષિણ ભારતના મંદિર આપણે એવું જ્ઞાન આપે છે, જે હજારો પુસ્તકો વાંચવા છતા મળતુ નથી, આપણને એવી અંતદ્રષ્ટી આપે છે. સોમનાથ મંદીર સમીપ ભવ્ય ભારત બનવાનું ચિંતન અને કરાયેલ કલ્પના તથા સોમનાથ મંદીરના પુનઃ નિર્માણનું સ્વપ્ન જોયુ હતું. સોમનાથ મંદીરનું પુનઃનિર્માણ થવાની સાથે ઇતિહાસ બનેલ તેમનું સ્વપ્નું પુરૂ થયેલ.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારે જણાવેલ કે સ્વામી વિવેકાનંદજીની આત્મકથામાં વાંચેલ કે તેઓ સોમનાથ પહોંચીને મંદીરને ખંડીત જોઇને ખુબ જ દુઃખી થઇને એક શીલા ઉપર બેસી ગયેલ. તે ઐતિહાસીક જીવન સ્મૃતિનું મોટુ ચિત્ર જેમાં સ્વામીજી તે સમયે સોમનાથ મંદીર નજીક એક શીલા ઉપર ધ્યાનમગ્ન બેઠા હોય અને પાછળ સમુદ્ર દેખાતો હોય તેવું ચિત્ર બનાવડાવીને સોમનાથમાં લગાડવાની ઇચ્છા છે. ઉપરાંત સ્વામીજીનું સ્મૃતી ચિત્ર પણ સોમનાથ સંગ્રહાલયમાં લોકો માટે મુકવાની ઇચ્છા છે.

(12:13 pm IST)