Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

માનસિક રીતે અસ્વસ્થ ખંભાળીયાના યુવાને ઝેરી ટીકડા ખાઇને આપઘાત કર્યોઃ દ્વારકાના નશાખોરે ત્રીજા માળેથી ઝંપલાવી જીંદગી ટૂંકાવી નાખી

જામખંભાળીયા,તા.૧૨ : ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અરજણભાઈ રાવલીયા નામના યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે તણાવનો અનુભવ કરી રહયા હતા, આ વચ્ચે તેમણે ગત તારીખ ૧૦ મી ના રોજ રાત્રીના સમયે પોતાના હાથે ઝેરી દવાના ટીકડા ગળી જતાં તેમને સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની જાણ અરજણભાઈ પુંજાભાઈ રાવલીયાએ અહીંની પોલીસને કરી છે.

દ્વારકા ટી.વી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાજુભા જેઠાભા માણેક નામના ૪૨ વર્ષના યુવાને રાત્રિના સમયે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી રૂમની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના સાળા દ્વારકાના અંબુજાનગર વિસ્તારમાં આવેલી તીર્થ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા માનભા ગજુભા કેર નામના ૪૫ વર્ષના યુવાને દ્વારકા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક રાજુભા માણેકને છેલ્લા ઘણા સમયથી ખૂબ જ દારૂ પીવાની ટેવ હોવાથી બારેક દિવસ પહેલાં તેમને પેટની વિવિધ બીમારીઓના કારણે હોસ્પિટલમાં લઇ જતા તેમની તબીબી તપાસમાં તેમના લીવરમાં સોજો હોવાથી ડોકટરે તેમણે દારૂ ન પીવાની સૂચના આપી હતી. આથી તેમના પરિવારજનોએ રાજુભાને દારૂ મૂકી દેવાનું કહી તેના સાળા માનભા કેર તેમને પોતાના ઘરે લઈ આવ્યા હતા. જ્યાં તેમને ત્રણેક દિવસથી દારૂ મળ્યો ન હોવાથી આ બાબતે કંટાળીને રાત્રિના સમયે એપાર્ટમેન્ટના ત્રીજાથી પડતું મૂકીને જિંદગી ટૂંકાવી લીધી હતી.

 નંદાણાની પરિણીતાઓને ત્રાસ  

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે હાલ રહેતી અને મેપાભાઈ પીઠાભાઈ મકવાણાની ૨૪ વર્ષની પુત્રી સવિતાબેન મનસુખભાઈ ચાવડાને તેણીના પતિ મનસુખભાઈ જેઠાભાઈ ચાવડા દ્વારા  ત્રાસ આપી, ધમકી આપવામાં આવતા આ બનાવ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં સવિતાબેનની ફરિયાદ પરથી મનસુખભાઈ ચાવડા સામે આઈ.પી.સી. કલમ ૪૯૮(એ), ૩૨૩, ૫૦૪ તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય એક ફરિયાદમાં નંદાણાના મેપાભાઈ પીઠાભાઈ મકવાણાની ૨૩ વર્ષની પુત્રી દેવીબેન મેરુભાઈ ચાવડાને તેણીના લગ્નજીવનના ત્રણેક વર્ષ બાદના સમયથી સુઈનેશ ગામે રહેતા તેણીના પતિ મેરુ જેઠાભાઈ ચાવડા દ્વારા ત્રાસ આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતો મેરૂ જેઠા ચાવડા સામે પણ વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

વાડીનાર ગામે જુગાર

  વાડીનાર ગામે જાહેરમાં ગંજીપાના વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા સાજીદ હુશેન સુંભણીયા, હસન મામદ ભાયા, હુસેન કાસમ ભાયા, સલીમ એલિયાસભાઈ સુંભણીયા અને હનીફ હુસેનભાઈ સુંભણીયા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા ૩,૨૪૦નો મુદામાલ કબજે કર્યો હતો.

ખંભાળિયા અને ભાણવડમાં દારૂ સાથે બે ઝડપાયા, એકની શોધખોળ

ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર ગુલાબ ટેકરી વિસ્તારમાં રહેતા રવિ સુરાભાઈ ગમાણા નામના ૧૯ વર્ષના શખ્સને પોલીસે રૂ. ૧૫ હજારની કિંમતના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા પાંચ હજારની કિંમતના એક મોબાઈલ ફોન સાથે ૨૨ લીટર દારૂના જથ્થા મળી કુલ  રૂપિયા ૨૦,૪૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો તેણે આ જ વિસ્તારમાં રહેતા લાખા ગઢવી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રોહી. એકટ મુજબ રવી ગમાણાની અટકાયત કરી, લાખા ગઢવીની શોધખોળ હાથ ધરી છે.

ભાણવડની રેલવે કોલોની કવાર્ટરમાં રહેતા સંતોષકુમાર ચીન્નાદુરાઈ નામના ૨૯ વર્ષના ક્રિસ્ચન યુવાનને પોલીસે રૂપિયા ૧૦ હજારની કિંમતના મોટરસાયકલ પર રૂપિયા ૨,૮૦૦ ની કિંમતની સાત બોટલ વિદેશી દારૂના જથ્યા સાથે નીકળતા ઝડપી લઈ, પ્રોહીબીશન એકટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

  ઈનોવેશન ફેરમાં ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ

 જિલ્લા કક્ષાનો ઇનોવેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખંભાળિયા સલાયાના શિક્ષક નિકુંજભાઈ સવણીએ વિદ્યાર્થીઓ માટે કોરોનાના સમયમાં જુદી જુદી પ્રવૃતિઓ અને ટેકનોલોજીના સમન્વયથી વર્ગને સ્વર્ગ કેવી રીતે બનાવી શકાય એ અંગેનો પોતાનો નવતર  પ્રયોગ ''મારી પરીક્ષા મારૂ પરિણામ'' શિર્ષક સાથે રજૂ કર્યો હતો. આ ઇનોવેશન ફેરમાં જિલ્લાના કુલ ૪૮ શિક્ષકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી.

  આઈ.એમ.એ.ના નવા હોદેદારોની વરણી

  ખંભાળિયાના ઈન્ડીયન મેડીકલ  હોદેદારોની એક મિટિંગ તાજેતરમાં યોજાઈ હતી.

 આગામી વર્ષ માટે આઈ.એમ.એ.ના નવા પ્રમુખ તરીકે ઓર્થોપેડીક સર્જન ડોકટર નિસર્ગ રાણીંગા તેમજ ઉપપપ્રમુખ તરીકે ડો. વી.ડી. કાંબરીયા, સેક્રેટરી તરીકે ડો. નિરવ રાયમગીયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે ડો. જાદવ તથા ટ્રેઝરર તરીકે નિલેશભાઈ રાયઠઠ્ઠાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.  

(12:59 pm IST)