Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

‘કચ્‍છની રંગભૂમિ' માટે ગૌતમ જોશીને નર્મદ ચંદ્રક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : ગુજરાતની પ્રતિષ્ઠિત ‘નર્મદ સાહિત્‍ય સભા' સુરત દ્વારા આજે એકીસાથે ત્રણ શ્રેણીના નર્મદ ચંદ્રકોની જાહેરાત કરી છે, જેમાં ‘કચ્‍છમિત્ર'ની ગૌતમ જોશી દ્વારા લિખિત લોકપ્રિય કોલમ પરથી વીઆરટીઆઇ માંડવી દ્વારા પ્રકાશિત ‘કચ્‍છની રંગભૂમિ' પુસ્‍તકને ૨૦૧૬થી ૨૦૨૧ દરમ્‍યાન પ્રગટ થયેલા સંશોધન શ્રેણીનો નર્મદ ચંદ્રક જાહેર થતાં ડો. ધીરેન્‍દ્ર મહેતા, ડો. દર્શનાબેન ધોળકિયા અને વીનેશ અંતાણી બાદ કચ્‍છને ચોથો સાહિત્‍ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘નર્મદ ચંદ્રક' પ્રાપ્ત થયો છે.

આજે શ્રી જોશીની સાથે કેન્‍દ્રીય સાહિત્‍ય અકાદમીના અધ્‍યક્ષ રહી ચૂકેલા વિનોદ જોશીને ‘સેરંધ્રી' કાવ્‍યસંગ્રહ માટે અને હસમુખ વ્‍યાસને ભારતના પ્રમુખ યુદ્ધો માટે પણ નર્મદ ચંદ્રક જાહેર કરાયા છે. આગામી સમયમાં ત્રણેય સાક્ષરોને ચંદ્રક એનાયત કરાશે તેવું સભાના પ્રમુખ ડો. પ્રફુલ્લ દેસાઇ અને મંત્રી યામિની વ્‍યાસ તથા નરેશ કાપડિયાની યાદીમાં જણાવાયું હતું. કચ્‍છી સારસ્‍વત સમાજના અગ્રણી અને વ્‍યવસાયે પોલીસ ખાતાના નિવૃત્ત એવા ગૌતમ શાંતિલાલ જોશીની કચ્‍છી-ગુજરાતી સાહિત્‍યની સફર ૧૯૮૦-૮૫ના ગાળાથી શરૂ થઇ. પ્રથમ પોલીસ હેડક્‍વાર્ટરમાં શત્ર સમારકામ અને બાદમાં ગુપ્તચર વિભાગમાં ઇન્‍ટેલિજન્‍સ ઓફિસર તરીકે ફરજ બજાવવાની સાથોસાથ તેમણે પોતાની શાળાના તત્‍કાલીન આચાર્ય પ્રાણગિરિ ગોસ્‍વામી અને આકાશવાણીના જયંતી જોશી? ‘શબાબ'ના પ્રોત્‍સાહન તથા માતા ચંચળબેનની સીધી પ્રેરણાથી લખવાનું શરૂ કર્યું અને શ્રીમદ્‌ ભાગવત, રામાયણ બાલકાંડનું કચ્‍છીકરણ, ઝવેરચંદ મેઘાણીના ‘માણસાઇના દીવા'નું કચ્‍છી ભાષાંતર કર્યું અને ૧૯૮૬માં ‘ભેંકાર ભોમકા' નામે એક કચ્‍છી નવલકથા આપી જે મનુભાઇ પંચોળી ‘દર્શક' દ્વારા' ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા પુરસ્‍કૃત થઇ, બાદમાં કચ્‍છીમાં પ્રવાસ વર્ણન આપ્‍યા. સ્‍વખર્ચે સાહિત્‍યસર્જનની રાહે આગળ વધતા આ ‘પોલીસ'ને જગદીશ ગોર ‘શરમાળ'નો સંગાથ મળ્‍યો એટલે ‘શબ્‍દ સર્જન' સામયિક પણ શરૂ કર્યું. હજુ સુધીમાં ૩૩થી વધુ પુસ્‍તકો તેમણે આપ્‍યાં છે અને હાલ પણ ‘કચ્‍છમિત્ર' પરાગ પૂર્તિમાં ‘પાંજી અખાણી' નામક કટાર લખે છે. ચાર પેઢીથી પોલીસતંત્ર સાથે સંકળાયેલા આ સર્જકે લખવાનું શરૂ કર્યું ત્‍યારે ‘પોલીસવાળા શું લખશે ?' એવા મહેણા તેમણે ગૌરવ પુરસ્‍કાર અને નર્મદ ચંદ્રક સાથે ભાંગ્‍યા છે. કચ્‍છમિત્રના ન્‍યૂઝ એડિટર નવીન જોશીના તેઓ ગુરુબંધુ છે.'

(10:10 am IST)