Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

કચ્‍છમાં ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય મેળવતા બહેનોની હયાતી - ખરાઇ ઝુંબેશ હાથ ધરાઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કચ્‍છ જિલ્લામાં ગંગાસ્‍વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) હેઠળ લાભ મેળવતા બહેનોની સમયાંતરે હયાતી ચકાસણી કરાવવાની હોય છે આ ચકાસણી થયે આ લાભાર્થી બહેનોને મળતી આર્થિક સહાય અવિરત ચાલુ રહે જેથી આ બહેનોને પોતાના જીવનયાપનમાં સહાયરૂપ બની શકે. આ ચકાસણીની કામગીરીમાં ગંગાસ્‍વરૂપા બહેનોને સરળતા રહે તે માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તેમના કાર્ય ક્ષેત્ર હેઠળ આવતા પ્રકલ્‍પોમાં કાર્યરત કર્મચારીઓ દ્વારા તાલુકા અને શહેરી વિસ્‍તારોમાં ચકાસણી કાર્યને ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્‍યાણ કેન્‍દ્ર ભુજ દ્વારા તાલુકાના નારણપર,સુખપર,મદનપુર અને કેરા ખાતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં નિર્ધારિત લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં નારણપર(રાવરી) સરપંચ ધનબાઈ દેવરાજ પીંડોરિયા મદનપુર સરપંચ પુનમબેન લખમણ મેપાણી, તલાટી-મંત્રી અર્ચના ગોસ્‍વામી, કેરા સરપંચ મદનગીરી ગોસ્‍વામી તલાટી-મંત્રીᅠ સોનલ રાવત અને કંચનબેન સહયોગી બન્‍યા હતા.

જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્‍યાણ કેન્‍દ્રના સામાજિક કાર્યકર મીનાબેન બોરીચાએ વિધવા સહાય ચકાસણી કામગીરી દરમ્‍યાન ૪૦ થી ૫૦ વર્ષ સુધીના બહેનોને સરકાર દ્વારા સ્‍વનિર્ભર બનવા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે તેમાં જોડાવા અને તાલીમબદ્ધ બનવા માર્ગદર્શન આપ્‍યું હતું.

આ ચકાસણી કામગીરી કચ્‍છના દરેક તાલુકા અને શહેરી વિસ્‍તારમાં સુવ્‍યવસ્‍થિત થાય તે માટે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જલ્‍પાબેન ત્રિવેદી સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે જયારે મહિલા અને બાળ અધિકારીની કચેરીના નરપતસિંહ સોઢા, મુકેશ મિષાી આયોજનમાં સહભાગી બની રહ્યા છે. જિલ્લા કેન્‍દ્રની આ કામગીરીનું સંકલન અજરામર ટ્રસ્‍ટના મંત્રી મયુર બોરીચા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(10:12 am IST)