Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગોંડલમાં ‘તારે કાંઇ હવા છે' કહી રીક્ષા ચાલક ધર્મેશ પર છરી ઝીંક્‍યા બાદ ઘરમાં ઘુસી ૧૦ શખ્‍સોનો પત્‍ની અને બે પુત્રી પર નિર્લજ્જ હુમલો

યુવાન રીક્ષા લઇને ભાડુ કરવા જતો'તો ત્‍યારે વિજય, આકલો, હીતો સહિત દસ શખ્‍સો છરી ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે તૂટી પડયા : બે સગીર પુત્રીના કપડા ફાડી નાખ્‍યા : રીક્ષા ચાલક રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૨ : ગોંડલમાં રીક્ષામાં ભાડુ લઇને જઇ રહેલા રીક્ષા ચાલકને કુંભારવાડામાં દસ જેટલા શખ્‍સોએ રોકી ‘તારે કાંઇ હવા છે' કહી છરી પાઇપ અને ધોકા વડે હુમલો કર્યા બાદ દસેય શખ્‍સોએ રીક્ષા ચાલકના ઘરમાં ઘુસી પત્‍ની અને બે સગીર પુત્રી પર નિર્લજ્જ હુમલો કરતા ચાલકને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.
મળતી વિગત મુજબ ગોંડલના વિજયનગર મફતીયાપરામાં રહેતો રીક્ષા ચાલક ધર્મેશ માવજીભાઇ મુખનાથ (ઉ.૩૩) રાત્રે પોતાની રીક્ષામાં ભાડુ લઇને જતો હતો ત્‍યારે કુંભારવાડામાં વિજો, આકલો, દીનો અને વિજય ભરવાડ સહિત દસ જેટલા શખ્‍સોએ છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કરતા ધર્મેશને વાંસાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. હોસ્‍પિટલના બીછાને સારવાર લઇ રહેલા ધર્મેશે જણાવ્‍યું હતું કે, પોતે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાને સંતાનમાં ૧૪ વર્ષની બે પુત્રી છે. ગઇકાલે રાત્રે પોતે પોતાની રીક્ષા લઇને જતો હતો ત્‍યારે મિત્ર લાલો રાવળદેવનો ફોન આવ્‍યો હતો અને કહ્યું ‘ભાડુ કરવું છે તાત્‍કાલિક આવ' તેમ કહેતા પોતે રીક્ષા લઇને લાલાને રીક્ષામાં બેસાડીને જતો હતો ત્‍યારે કુંભારવાડામાંથી પસાર થતાં શેરીમાં દસ જેટલા શખ્‍સો દારૂ પીધેલી હાલતમાં ઉભા હતા. બાદ આ શખ્‍સોએ રીક્ષાને રોકી પોતાને ‘તારે કાંઇ હવા છે' તેમ કહી દસેય શખ્‍સો છરી, ધોકા અને પાઇપ વડે મારમાર્યો હતો. જેમાં વિજયે છરીનો ઘા મારતા પોતાને વાંસાના ભાગે ઇજા થઇ હતી અને તેની સાથેના વીજો, આકલો, દીનો અને વિજય ભરવાડ સહિતના શખ્‍સોએ ધોકા અને પાઇપ વડે માર મારતા પોતાને હાથ તથા પગના ભાગે પણ ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતાં પોતે ત્‍યાંથી પોતાનો જીવ બચાવી રીક્ષા લઇને ઘરે જતો રહ્યો હતો. થોડીવાર બાદ આ તમામ શખ્‍સો ઘરે આવી ફરી ઝઘડો કરી ઘરમાં ઘુસી માથાકુટ કરતા પત્‍ની આરતી અને બે સગીર દીકરી વચ્‍ચે પડતા તેને પણ આ શખ્‍સોએ મારમારી ધક્કો મારી પછાડી દીધા હતા અને વીજાએ બંને સગીર પુત્રીના કપડા ફાડી નિર્લજ્જ હુમલો કર્યો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થતાં તમામ શખ્‍સો ભાગી ગયા હતા. બાદ પોતાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.
 આ બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના ઇન્‍ચાર્જે ગોંડલ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(10:49 am IST)